ગુજરાતમાં ચોમાસું વિધિસર બેસી ગયું છે.છેલ્લા ઘણા દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ છે, જેના લીધે ભારે તારાજી સર્જીઇ છે. અતિભારે વરસાદના લીધે ખુબ નુકશાન થયું છે. 15મી તારીખ સુધીમાં સિઝનનો 50 ટકાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ થઇ છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે આઠ જિલ્લામાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અવિરત વરસાદને લીધે 5467 ગામોમાં વીજપૂરવઠો ખોરવાયો હતો. જે પૈકી મહત્તમ ગામોમાં વીજળી પૂર્વવત થઇ ગઇ છે. નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા ત્રણ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. ચીખલી-વલસાડ વચ્ચે પાણી ભરાઈ જવાથી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. આ સહિત કુલ 619 રસ્તાઓ બંધ છે. વરસાદને કારણે 126 મકાનો અને 19 ઝૂંપડા નાશ પામ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, 148 ગામોમાં એસટીના રૂટ બંધ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ 39,177 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જે પૈકી હજુ પણ 21,243 લોકો આશ્રયસ્થાનોમાં આશરો લઇ રહ્યા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત, તાપી, વલસાડ,દ્વારકા, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ તથા રાજકોટ, જામનગર,સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ છે.મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ દક્ષિણ ગુજરાતની સ્થિતિ અંગે જણાવતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં પૂર્ણા નદી પરના બે ડેમ ઓવરફ્લો થતા પૂર્ણા નદીના પ્રવાહમાં વધારો થયો છે. જેનું પાણી નવસારી તરફ આવતા આફતની સ્થિતિ સર્જાઇ છે.

નવસારીમાં પૂરજોશથી રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. બે ચોપર દ્વારા હાલ કામગીરી ચાલે છે વધુ બે ચોપરની માંગણી કરવામાં આવી છે.અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની 19 ટીમ તૈનાત છે અને 1 ટીમ રિઝર્વ રખાઇ છે. એસડીઆરએફની 22 પ્લાટુન અને એક ટીમ ડિપ્લોય કરાઇ છે. આ ટીમો દ્વારા 570 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 12 લોકોના મૃત્યુ થયા છે. 7 જુલાઇથી આજદિન સુધીમાં 43 મૃત્યુ નોંધાયા છે જ્યારે કુલ માનવ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે.
