રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત સાથે જ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન આપવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. લોકો તેમને ટેગ કરીને સતત અભિનંદન આપી રહ્યા છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે તેમનું ટ્વિટર પર કોઈ એકાઉન્ટ જ નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ટ્વિટર પર તેમના સંબંધિત નવા એકાઉન્ટ્સનું જાણે કે પૂર આવી ગયુ છે. જ્યારે પીએમ મોદીએ પણ ટ્વિટ કર્યું ત્યારે તેમાં મુર્મુના ટ્વિટર હેન્ડલનો કોઈ ઉલ્લેખ નહોતો. એકંદરે ટ્વિટર પર જોવા મળતા ફેક એકાઉન્ટે યુઝર્સને મુશ્કેલીમાં મુકી દીધા છે.
ભાજપે આ અઠવાડિયે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની જાહેરાત કરી હતી. ઘોષણા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને નામાંકિત થવા બદલ ટ્વિટર અભિનંદન આપ્યા હતા. પીએમના ટ્વિટ પછી, ટ્વિટર એકાઉન્ટ દ્રૌપદી મુર્મુ (@DraupdiMurmuBJP)એ જવાબ આપતા તેમનો આભાર માન્યો. જ્યારે આ એકાઉન્ટ અસ્તિત્વમાં જ નથી.
છેલ્લા કેટલાક દિવસોમાં દ્રૌપદી મુર્મુના નામે ઘણા ફેક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જેમાંથી કોઈ પણ એકાઉન્ટ અસલી નથી. હકીકતાં મુર્મુનું કોઈ ટ્વિટર એકાઉન્ટ નથી અને આ તમામ એકાઉન્ટ ફેક છે, જેમાં તેમનો ફોટો મુકવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીના ટ્વીટ પર નજર કરીએ તો તેમણે કોઈ પણ ટ્વિટર એકાઉન્ટને ટેગ નથી કર્યું. જેનો સીધો અર્થ એ છે કે મુર્મુનું કોઈ ટ્વિટર એકાઉન્ટ નથી, નહીં તો પીએમ મોદીએ તેમને ટેગ કર્યા હોત.

ઉલ્લેખનીય છે કે @draupadimurmup નામના ટ્વિટર એકાઉન્ટના 16.4 હજાર ફોલોઅર્સ છે. આ એકાઉન્ટ જૂનમાં જ બનાવવામાં આવ્યું હતું અને તેના થોડા સમય પહેલા જ એક ટ્વિટ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ મુર્મુને અભિનંદન આપવા માટે માત્ર #DraupadiMurmu હેશટેગનો ઉપયોગ કર્યો હતો. મુર્મુના નામ પર હાલમાં જ કેટલાય એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. @DraupadiiMurmu, @DraupadiMurmu_, @murmu_draupadi, @Draupadi_Murmu_ જેવા હેન્ડલ્સ જૂનમાં જ બનાવવામાં આવ્યા હતા જ્યારે તેમની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી. જેથી સ્પષ્ટ થાય છે કે મુર્મુના નામે બનેલા તમામ હેન્ડલ નકલી છે. દ્રૌપદી મુર્મુનું હજુ સુધી કોઈ ટ્વિટર એકાઉન્ટ નથી.
