ભારતીય નૌકાદળમાં હાલ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, નૌકાદળ અગ્નિવીર ભરતી માટે અધધ અરજીઓ મળી છે,જે અગ્નિવીરોની લોક્રપિયતા સાબિત કરે છે. આ અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ રાખવામાં આવી હતી. હાલમાં, સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી છે કે ભારતીય નૌકાદળમાં ‘અગ્નિપથ’ યોજના હેઠળ ભરતી માટે 3 લાખથી વધુ અરજીઓ મળી છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે નેવીમાં અગ્નિવીરોની જગ્યાઓ માટે અત્યાર સુધીમાં કુલ 3,03,328 અરજીઓ મળી છે. એક ટ્વિટમાં, સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ લખ્યું, “ભારતીય નૌકાદળમાં અગ્નિવીર માટે અત્યાર સુધીમાં કુલ 3,03,328 અરજીઓ મળી છે… 22મી જુલાઈ સુધી 3,03,328 અરજીઓ મળી છે.”ઉલ્લેખનીય છે કે ભારતીય નૌસેનાએ 2 જુલાઈના રોજ અગ્નિવીર યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી. આ યોજના આ વર્ષે 14મી જૂને લોન્ચ કરવામાં આવી હતી. જે બાદ દેશના મોટાભાગના ભાગોમાં આ અંગે વિરોધ જોવા મળ્યો હતો. હાલમાં, સાડા 17 થી 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષના કાર્યકાળ માટે આ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે.
અગ્નિપથ યોજના હેઠળ ભરતી કરાયેલા 25 ટકા યુવાનોને ચાર વર્ષ પછી નિયમિત સેવામાં સામેલ કરવામાં આવશે. હાલમાં ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે 16મી જૂને આ યોજના હેઠળ ભરતી માટેની મહત્તમ વય મર્યાદા આ વર્ષે 21થી વધારીને 23 વર્ષ કરી હતી.
