સરકારનો નિર્ણય/ મુખ્યમંત્રીએ રસ્તાઓના રિસરફેસીંગના કામો માટે 508.64 કરોડ કર્યા મંજૂર,નાગરિકોની સલામતી માટે લેવાયો નિર્ણય

વિવિધ જિલ્લાઓમાં હાલની સ્થિતીએ કુલ પ૭૯૦ કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ. પ૯૮૬ કરોડના કામો પ્રગતિમાં છે.

Top Stories Gujarat

ગુજરાતમાં રોડ રસ્તાની હાલત અતિ ગંભીર છે જેના લીધે અનેક અકસ્માતો સર્જાય છે.જેના લીધે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સુવિધાયુકત, સલામત અને સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તેવા ઉદાત્ત અભિગમથી રાજ્યના માર્ગોના રિસરફેસીંગ કામો માટે રૂ. પ૦૮.૬૪ કરોડ માર્ગ-મકાન વિભાગને ફાળવવાની મંજૂરી આપી છે.રાજ્યમાં આ વર્ષે વરસાદને કારણે અસર થયેલા ૯૮ રસ્તાઓના કુલ ૭પ૬ કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામો મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને મંજૂર કરેલી આ રકમમાંથી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ માર્ગોની સુવિધા વધુ સુદ્રઢ બનાવી સરળ અને સલામત યાતાયાત માટે વિવિધ જિલ્લાઓમાં વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.તદઅનુસાર વિવિધ જિલ્લાઓમાં હાલની સ્થિતીએ કુલ પ૭૯૦ કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ. પ૯૮૬ કરોડના કામો પ્રગતિમાં છે.

ઉલ્લેખનીય છે કે  ર૭૬૩ કિ.મી લંબાઇના માર્ગો માટે રૂ. ૧૭૬ર કરોડના કામો ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં શરૂ થવાના છે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગોના નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ સુદ્રઢ તેમજ સંગીન કરવા માર્ગ-મકાન વિભાગને આપેલા દિશાનિર્દેશોને પગલે આ કામગીરી વેગવાન બનાવવામાં આવી છે