- મેટ્રોમાં શહેરની અંદરના વિસ્તારોની સાથે બહારના વિસ્તારોને જોડવા વડાપ્રધાનનું સૂચન
- આગામી સમયમાં શહેર અને તેની આસપાસની બધી જીઆઇડીસી મેટ્રોથી જોડાઈ શકે
- બીજા તબક્કામાં અમદાવાદ-ગાંધીનગરને મેટ્રો સાથે સાંકળવાનું કાર્ય પૂરુ થશે
અમદાવાદ મેટ્રોના પ્રથમ બંને તબક્કા શરૂ થઈ ચૂક્યા છે. તેના બંને કોરિડોરને મળેલો પ્રતિસાદ જોઈને સત્તાવાળાઓ પણ અચંબો પામી ગયા છે. શહેરની વિકાસની પાયાની જરૂરતો પામી જતાં વડાપ્રધાન મોદીએ અમદાવાદ મેટ્રોના અને ગુજરાત રેલવેના સત્તાવાળાઓને બીજા રૂટ પર પણ મેટ્રો શરૂ કરવાના સૂચનો આપ્યા છે.
વડાપ્રધાને ફક્ત અમદાવાદ મેટ્રોનું ઉદઘાટન કરીને જ સંતોષ માન્યો ન હતો. તેની સાથે તેમણે અધિકારીઓ સાથે શહેરમાં મેટ્રોના વિકાસ અંગે પણ ચર્ચા કરી હતી. અમદાવાદ એકબાજુએ સાણંદ સુધી વિકસ્યુ છે ત્યારે સાણંદ સુધી મેટ્રો પહોંચાડવા શું-શું કરી શકાય તે માટેના સૂચન કર્યા છે. ફ્ક્ત સાણંદ જ નહી બીજી બાજુએ કડી, થોળ અને કલોલની સાથે દહેગામ સુધી પણ મેટ્રોને કઈ રીતે લંબાવી શકાય તે જોવા માટે વડાપ્રધાને અધિકારીઓને સૂચનો પણ કર્યા હતા.
વડાપ્રધાને આપેલા સૂચનોને ગંભીરતાથી લઈને અધિકારીઓએ આ દિશામાં કામ પણ શરૂ કરી દીધું છે. હાલમાં તો મેટ્રોને અમદાવાદ ગાંધીનગર સાથે જોડતું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. તેની સાથે-સાથે વડાપ્રધાનના સૂચનના પગલે સાણંદ, કડી, થોળ, કલોલ અને દહેગામ સુધીના વિસ્તારનો ડીપીઆર આગામી સમયમાં તૈયાર કરવામાં આવી શકે છે.
વાસ્તવમાં આ કામગીરી હાલની ચૂંટણી પછી વધુ વેગ પકડે તેમ માનવામાં આવે છે. હાલમાં મેટ્રો થલતેજથી વસ્ત્રાલ સુધી ચાલે છે અને તેને હવે સાણંદ સુધી કયા રુટે લંબાવવી તે દિશામાં વિચાર થઈ શકે છે. આ ઉપરાંત થોળ પક્ષી અભ્યારણ્ય હોવાથી ટુરિઝમ સ્થળ તરીકે તેને આવરી લેવામાં આવી શકે છે. જ્યારે કડી, કલોલ અને દહેગામ અમદાવાદના આઉટર વિસ્તાર છે. આ વિસ્તારોને પણ મેટ્રોની કનેક્ટિવિટીનું આયોજન આપવામાં આવી શકે છે. હવે જો કલોલ સુધી મેટ્રો લંબાવાય તો અડાલજ અને વૈષ્ણોદેવી, ઝુંડાલ, ત્રાગડ સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવી શકે છે.
જયારે કડી સુધી જાય તો તેની સાથે હાલના થલતેજથી શીલજ, રાંચરડા, થોળ સુધી લંબાવવામાં આવી શકે છે. આ ઉપરાંત મેટ્રોના આયોજનકારો અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારની જીઆઇડીસીઓને પણ મેટ્રો વડે કેવી રીતે સાંકળી લેવામાં આવે તે દિશામાં પણ વિચાર કરી રહ્યા છે. વર્તમાનમાં મેટ્રોના બંને કોરિડોરમાં થઈને દૈનિક ધોરણે સરેરાશ ત્રીસ હજાર પ્રવાસીઓ આવે છે. જ્યારે વીકેન્ડમાં તો મુસાફરીની સંખ્યાની સરેરાશ 45 હજાર કરતાં પણ વધારે છે. આ સિવાય મેટ્રો અમદાવાદને એક અલગ જ રીતે જોવાની તક પૂરી પાડતી હોવાથી પણ લોકોમાં તેનો ક્રેઝ વધ્યો છે. તેની સાથે મેટ્રોની સગવડોએ પણ લોકોને આકર્ષ્યા છે.
