ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે. ચૂંટણી માટે ભાજપ આજે તેમના ઉમેદવારોની જાહેરાત કરવાની છે. જોકે આ પહેલા જ અલ્પેશ ઠાકોરને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.રાજ્યમાં હાલ રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોની ગોઠવણમાં લાગ્યા છે. ક્યાંક મનામણા અને ક્યાંક રિસામણાં દેખાઇ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બેનર લગાવાયા છે. ગાંધીનગર દક્ષિણ બેઠક વિસ્તારમાં આ બેનર લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, અમારી દક્ષિણની બેઠકમાં તમારી કોઇ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે.મોડીરાત્રે અલ્પેશ ઠાકોરને પણ ટિકિટ માટે પોન આવ્યો હતો.તેમને ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી ફાળવવામાં આવી છે.
સૂત્રો મુજબ, ભાજપના નેતા અલ્પેશ ઠાકોરને મોડી રાત્રે ફોન આવ્યો હતો અને ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી હતી. માહિતી મુજબ અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ફોર્મ ભરવા માટે કહેવાયું છે. જ્યારે રાધનપુર બેઠક પરથી લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.
નોંધનીય છે કે અલ્પેશ ઠાકોરનું નામ ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી જાહેર કરવામાં આવે તે પહેલા જ વિરોધ શરૂ થઈ ગયો છે. ગાંધીનગરની દક્ષિણ વિધાનસભામાં જાહેરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે અને તેમને આ બેઠક પરથી ટિકિટ આપવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે, ભાવી મુખ્યમંત્રી અલ્પેશજી ઠાકોર, આયાતી ઉમેદવાર. અમારી 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઈ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે. આવશો તો લીલા તોરણે ઘરે જવાની તૈયારી રાખજો.
