ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી લિસ્ટ જાહેર તે પહેલા એક નવતર પ્રયોગ કર્યો છે. ઉમેદવારોને ટેલિફોનિક જાણકારી આપી હોવાની ચર્ચાઓ સામે આવી છે.ભાજપે ફોન કરીને ટિકિટની સૂચના આપી છે અને ફોર્મ ભવા તૈયાર રહેવા સૂચન કરાયું છે. મોરબીના ધારાસભ્યની ટિકિટ હોનારતના લીધે કપાઇ શકે છે.
મોરબીમાં તાજેતરમાં જ ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં 135 લોકોનાં મોત થયા છે. જેની અસર પણ ચૂંટણીના ઉમેદવાર પર પડી હોવાનું જણાઇ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે, આ દુર્ઘટનાએ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની ટિકિટ કાપાઇ છે. મોરબીથી કાંતિ અમૃતિયાને તૈયાર રહેવા માટે ફોન આવ્યો છે.
મોરબી જિલ્લામાં કુલ ત્રણ વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો, મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જોકે, બાદમાં કોંગ્રેસના ચૂંટાયેલા એક ધારાસભ્યો રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ચૂંટાયા પણ હતા. બ્રિજેશ મેરજાએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં વર્ષ 2020માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. પક્ષપલટા અંગે બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે, ‘કોંગ્રેસની માનસિકતા હવે બદલાવવા લાગી છે. કોંગ્રેસ હવે ખાબોચિયા જેવો પક્ષ બની ગયો છે. તેમાં રહીને લોકસેવા થઇ શકે તેમ ન હોવાથી મારા અંતરઆત્માએ મને ઢંઢોળ્યો અને ભાજપમાં જોડાઇ ગયો.ત્યારબાદ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે આયાતી ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાને ટિકિટ આપી હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના બ્રિજેશભાઈ મેરજાએ કોંગ્રેસના જયંતી પટેલને હરાવીને જીત મેળવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ બ્રિજેશભાઈ મેરજાની હાજરીનો ભાજપને ફાયદો થયો છે.
