ભાવનગરમાં જીતુ વાઘાણીની સામે ઘણી વખતથી વિરોધના વંટોળ જોવા મળી રહ્યાં હતા. છતા પણ પાર્ટીએ તેમને રિપિટ કર્યા છે. જીતુના નામની જાહેરાત થતા જ અભિનંદનનો વરસાદ વરસ્યો હતો. પૂર્વ ધારણાં મુજબ જ જીતુ વાઘાણીનું નામ ફાઈનલ થતાં કાર્યકર્તાઓ પણ જોશમાં આવી ગયા હતા. તેઓ આવતીકાલે એટલે કે શુક્રવારે બપોરે મુહૂર્ત જોઈને ફોર્મ ભરવા જશે.
જીતુ વાઘાણીને શહેરના ઉધોગપતિઓએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે અત્યાર સુધીમાં જીતુ વાઘાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ, કેબિનેટ મંત્રી, સરકારના પ્રવક્તા, ભાજપના પ્રવકતા મંત્રી વગેરેની જવાબદારી તેમણે સંભાળી છે. નામની જાહેરાત સાથે જ તેમણે જંગી લીડ સાથે જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
નોંધનીય છે કે જીતુભાઈ વાઘાણી આવતી કાલે એટલે કે શુક્રવારે નામાંકન ભરવા જશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુહૂર્ત પ્રમાણે ઢોલ નગારા સાથે તેઓવાજતે ગાજતે ફોર્મ ભરવાના છે. સવારે 10 થી 12 મતવિસ્તારમાં જાહેર સભા કરશે અને ત્યારબાદ 12.39 ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર જિલ્લાની સાત બેઠકો પૈકી ૬ ના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જીતુ વાઘાણી તા.11 ને શુક્રવારે સવારે પોતાનું નામાંકન રજૂ કરવાના છે. શુક્રવારે સવારે 10 થી 12 દેસાઈ નગરથી આગળ જતા મિલિટરી સોસાયટીની સામેના ભાગે આવેલા મેદાનમાં તેમની જાહેરસભા યોજાશે ત્યારબાદ તેઓ મતદારોના આશીર્વાદ સાથે 12 ને 39 મિનિટેએ પોતાનું નામાંકન રજૂ કરશે. ઉપરાંત ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર મંત્રી પરષોત્તમ સોલંકી પણ આવતીકાલે પોતાનું નામાંકન ભરે તેવી તૈયારી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરની પૂર્વ અને પશ્ચિમ બંને બેઠક પર ‘નો રિપીટ’ થિયરી અપનાવવા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં માંગ હતી. પશ્ચિમ બેઠક પર ‘નો રિપીટ’ થિયરીની માંગણી કરતા જીતુ વાઘાણીનો વિરોધ વધુ હતો. ચોક્કસ આગેવાનોના બનેલા અને સુપર થર્ટી તરીકે ઓળખાતા એક જૂથે જીતુ વાઘાણીનો સરેઆમ વિરોધ કરી તેમને ટિકિટ નહીં આપવા લાંબા સમયથી માંગ કરી અને પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યા હતા. જો કે સુપર થર્ટી ગ્રુપના સભ્યો હવે ચૂંટણીમાં કેવું વલણ અપનાવે છે તે પણ જોવુ રહ્યું.
