ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે રસપ્રદ તબક્કામાં પહોંચી ગઇ છે. આમ આદમી પાર્ટી આવવાથી ચૂંટણીના સમીકરણો બદલાઇ ગયા છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ એવું નક્કી કર્યુ છે કે, 75 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે નહીં. આ ફોર્મ્યુલા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં એક નેતા આ નિયમમાં અપવાદરૂપ છે. ભાજપે વડોદરાની માંજલપુર બેઠક પરથી 76 વર્ષીય એક નેતાને આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે કારણ કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
ભાજપના માંજલપુર બેઠકના ઉમેદવાર યોગેશ પટેલ 76 વર્ષના છે. તેઓ ભાજપના સૌથી મોટી વયના ઉમેદવાર છે. તેમણે 1990માં પહેલીવાર ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતુ. તેમણે રાવપુરા બેઠક પરથી પાંચ વખત ચૂંટણી લડી અને જીત્યા હતા. ત્યારબાદ માંજલપુરની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ બેઠકની રચના 2012માં સીમાંકન બાદ કરવામાં આવી હતી. તેઓ માંજલપુર બેઠકથી બે વખત વર્ષ 2012 અને 2017માં ચૂંટણી જીત્યા છે અને વર્ષ 2022ની ચૂંટણીમાં પણ ભાજપે તેમને ટિકિટ આપી છે. આમ આ વખતે યોગેશ પટેલ આ બેઠક પરથી હેટ્રિક ફટકારવાની તૈયારી કરી રહ્યા છે.
રાજકીય વિશ્લેષકો કહે છે કે યોગેશ પટેલ પોતાનો મજબૂત વોટર બેઝ ધરાવે છે. તેઓ દાયકાઓથી જનતાની વચ્ચે હાજરી ધરાવે છે. તેમની પોતાની એક અપીલ છે. તેઓ પોતાના દમ પર ચૂંટણી જીતી રહ્યા છે અને ફરી મેદાનમાં ઉતરીને પોતાની રાજકીય તાકાત બતાવશે.
