- વિરમગામની સભા યોગી-યોગીથી ગૂંજી ઉઠી
- વિરમગામની જનતાએ જયશ્રીરામ નારા સાથે યોગીનું અભિવાદન કર્યુ
- યોગીએ ભારે ભીડ વચ્ચે એમ્બ્યુલન્સને પસાર કરાવી દઈ માનવતા બતાવી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની જબરજસ્ત માંગજોવા મળી છે. તેઓ જ્યાં પણ સભા કરે છે ત્યાં જબરજસ્ત ભીડ ઉમટી પડે છે. ભાજપના બીજા નેતાઓની સભા માટે ભીડ ઊભી કરવી પડે છે તેનાથી વિપરીત યોગીની સભામાં સ્વયંભૂ ભીડ ઉમટી પડે છે. યોગી આદિત્યનાથે અમદાવાદ જિલ્લામાં વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો કર્યો હતો. ભાજપે આ બેઠક પરથી પાટીદાર નેતા હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
વિરમગામની જનતાએ ભગવો લહેરાવીને યોગીજીને જયશ્રીરામના નારા સાથે વધાવ્યા હતા. યોગીએ પણ જયશ્રીરામ કહી તેમનું અભિવાદન ઝીલ્યું હતું. તેમનું સ્વાગત ફૂલોની વર્ષા સાથે કરાયું હતું અને ઢોલ નગારા સાથે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમણે પણ મતદારોનું અભિવાદન ઝીલતા તેમની સાથે હાથ મિલાવ્યા હતા. તેની સાથે ગુજરાતના લોકોને લોકશાહીના પર્વ માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગુજરાતની પ્રજાને આગામી સરકાર ભાજપની બનાવવા હાકલ કરી હતી.
આ દરમિયાન તેમણે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમણે સંવેદનશીલતા દાખવતા ત્યાંથી પસાર થતી એમ્બ્યુલન્સને ભરચક ભીડની વચ્ચેથી પણ રસ્તો આપ્યો હતો. રોડ શો દરમિયાન યોગી આદિત્યનાથની ઝલક માટે લોકો છત, વાહનો અને દીવાલ પર ચઢી ગયા હતા. સમગ્ર વિરમગાન જાણે યોગી-યોગીના નાદથી ગૂંજી ઉઠ્યું હતું તેવી સ્થિતિ હતી.
યોગીએ વિશાળ જનમેદની વચ્ચે પણ માનવતા દાખવી હતી. ભારે ભીડ વચ્ચે એમ્બ્યુલન્સ આવી રહી હતી ત્યારે મુખ્યમંત્રીએ હાથનો ઇશારો કરીને લોકોને બાજુમાં થઈને એમ્બ્યુલન્સને રસ્તો આપવા કહ્યુ હતુ. તેના લીધે એમ્બ્યુલન્સ સરળતાથી પસાર થઈ શકી હતી.
આ પણ વાંચો
