Earth Quake/ 5 મોટા ભૂકંપ બાદ તુર્કી અને સિરિયાના અનેક શહેરોમાં વિનાશ

તુર્કી અને સિરિયામાં મંગળવારે ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ગઈકાલે આવેલા વિનાશક ભૂકંપના 3 મોટા આંચકા બાદ બંને દેશોના અનેક શહેરોમાં વિનાશ વેરાયો હતો. 24 કલાક બાદ પણ અહીં કાટમાળમાં દટાયેલા…

Mantavya Exclusive
Turkey and Syria after earthquake

Turkey and Syria after earthquake: તુર્કી અને સિરિયામાં મંગળવારે ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ગઈકાલે આવેલા વિનાશક ભૂકંપના 5 મોટા આંચકા બાદ બંને દેશોના અનેક શહેરોમાં વિનાશ વેરાયો હતો. 24 કલાક બાદ પણ અહીં કાટમાળમાં દટાયેલા મૃતદેહો મળવાનું ચાલુ જ છે. તો આવો જોઈએ આ હોનારત વિશે મંતવ્ય વિશેષમાં…

ધરાશાયી થઈ ગયેલી મોટી મોટી ઈમારતોના અનેક ટન કાટમાળની નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનું ચાલુ છે. બાળકો, વૃદ્ધો, મહિલાઓ જે લોકો પણ મળી રહ્યા છે, તેમની હાલત જોઈને રેસ્ક્યુ ટીમના સભ્યોના હાથ પણ ધ્રૂજી રહ્યા છે. જો કોઈ જીવતું હોવાના સમાચાર મળે છે તો તરત જ તેને બચાવવા માટે ઝડપી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તુર્કીના સાનલિઉર્ફા શહેરમાં એક મહિલાને 22 કલાક બાદ જીવતી કાઢવામાં આવી છે. રેસ્ક્યુ ટીમને આ મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી. આ તરફ સિરિયાના અલેપ્પોમાં પણ લોકોને ઈમારતોની છત કાપીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બંને દેશોનાં અનેક શહેરોમાં લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યાં છે.

મધ્ય પૂર્વના ચાર દેશો તુર્કી, સિરિયા, લેબેનોન અને ઈઝરાયલ ભૂકંપથી હચમચી ગયા હતા. અહીં 12 કલાકમાં મોટા ભૂકંપ આવ્યા હતા. એપી સેન્ટર તુર્કી અને તેની નજીકના સિરિયાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. તુર્કીનું હવે નવું નામ તુર્કિયે કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, તુર્કી અને સિરિયામાં અત્યાર સુધીમાં 4300થી વધુ લોકોનાં મોત થયાં છે. લેબનોન અને ઈઝરાયલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ અહીં કોઈ નુકસાન થયું નથી. તુર્કીમાં અત્યાર સુધીમાં 4,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 15 હજારથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. જ્યારે, સિરિયામાં 1444 લોકો માર્યા ગયા અને 2 હજારથી વધુ ઘાયલ થયા છે. તુર્કીના મીડિયા અનુસાર, 3 મોટા આંચકા આવ્યા. તુર્કીના સમય મુજબ પહેલો, સવારે લગભગ 4 વાગ્યે 7.8 રીક્ટર સ્કેલનો અને બીજો લગભગ 10 વાગ્યે 7.6 રીક્ટર સ્કેલનો અને ત્રીજો બપોરે 3 વાગ્યે 6.0 રીક્ટર સ્કેલનો. આ સિવાય 78 આફ્ટરશોક્સ નોંધાયા હતા. તેમની તીવ્રતા 4 થી 5 હતી.

જણાવી દઈએ કે ભૂકંપનું કેન્દ્ર તુર્કીનું ગાઝિયાનટેપ શહેર હતું. તે સિરિયા બોર્ડરથી 90 કિમી દૂર છે. તેથી જ તેની આસપાસના વિસ્તારોમાં વધુ વિનાશ જોવા મળ્યો હતો. દમિસ્ક, અલેપ્પો, હમા, લતાકિયા સહિત અનેક શહેરોમાં ઇમારતો ધરાશાયી થવાના અહેવાલ છે. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તુર્કીમાં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોદીએ જણાવ્યું કે 140 કરોડ ભારતીયોની લાગણી તુર્કીની સાથે છે. ભારત સરકાર તુર્કીને મદદ માટે રાહત સામગ્રી સાથે NDRFની ટીમો અને બચાવ ટીમો અને મેડિકલ ટીમો મોકલી રહ્યું છે.

યુરોપિયન યુનિયનની સાથે ભારત તુર્કીને પણ મદદ મોકલશે. ભારત સરકારે કહ્યું કે, વિશેષ રીતે પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓની NDRFની 2 ટીમો ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં જવા માટે તૈયાર છે. ઈઝરાયલ, અઝરબૈજાન, રોમાનિયા, નેધરલેન્ડ પણ બચાવ માટે ટીમો મોકલી રહ્યા છે. તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રક્તદાન કેમ્પો લગાવવામાં આવ્યા છે. રશિયાએ પણ તુર્કી અને સિરિયાને મદદ મોકલવાની જાહેરાત કરી છે. પુતિન હાલમાં 100 બચાવ કર્મચારીઓ સાથે બે ઇલ્યુશિન,76 એરક્રાફ્ટ મોકલવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન પણ મદદ મોકલવા તૈયાર છે.

આ શહેરોમાં સૌથી વધુ વિનાશ

અંકારા, ગાઝિયાનટેપ, કહરામનમારસ, ડિયર્બકીર, માલત્યા, નુરદાગી સહિત 10 શહેરોમાં ભારે વિનાશ થયો છે. અહીં 1,710થી વધુ ઈમારતો ધરાશાયી થયાના સમાચાર છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અનેક વિસ્તારોમાં ઈમર્જન્સી લાદવામાં આવી છે.

શાળા,કોલેજો એક સપ્તાહ સુધી બંધ રહેશે

તુર્કીના ઉપરાષ્ટ્રપતિ ફુઆત ઓક્ટેના કાર્યાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. કહ્યું, દેશનાં 10 શહેરોમાં ઈમર્જન્સી અને રેડ એલર્ટ ચાલુ રહેશે. તમામ શાળા,કોલેજો એક સપ્તાહ માટે બંધ રહેશે. હાલમાં 200 ફ્લાઈટો રદ કરવામાં આવી છે. અમે સૈન્ય માટે એર કોરિડોર બનાવી રહ્યા છીએ. તેમાં માત્ર એરક્રાફ્ટ લેન્ડ અને ટેકઓફની મંજૂરી આપવામાં આવશે.

100 વર્ષ પછી આવ્યો આવો ખતરનાક ભૂકંપ,

બીજી તરફ, યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે USGSએ ચોંકાવનારી વાત કહી છે. તેના ડેટા અનુસાર, તુર્કીમાં મૃત્યુઆંક ચાર હજારથી વધુ પહોંચ્યો છે. આ સંખ્યા 10 હજાર સુધી પહોંચી શકે છે. USGSએ તેની પાછળ તર્ક આપ્યો હતો કે 1939માં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે 30 હજાર લોકો મૃત્યુ પામ્યાં હતાં. જ્યારે, 1999માં 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 17 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

સિરિયામાં ટ્રેન સેવાઓ રદ, 40 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા

સિરિયાના દમિસ્ક, અલેપ્પો, હમા, લતાકિયા સહિત અનેક શહેરોમાં ઈમારતો ધરાશાયી થવાના અહેવાલ છે. ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ ઓપરેશન ચાલુ છે. અહીંના ઘણા વિસ્તારોમાં લોકોએ જણાવ્યું કે લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

વિશ્વમાં દર વર્ષે 20 હજાર ભૂકંપ આવે છે

વિશ્વમાં દર વર્ષે અનેક ભૂકંપ આવે છે, પરંતુ તેની તીવ્રતા ઓછી હોય છે. નેશનેલ અર્થક્વેક ઈન્ફોર્મેશન કેન્દ્ર દર વર્ષે લગભગ 20,000 ભૂકંપ રેકોર્ડ કરે છે. તેમાંથી 100 ભૂકંપ એવા હોય છે જે વધુ નુકસાન કરે છે. આ થોડી સેકન્ડ સુધી રહે છે. અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ ભારતમાં 2004માં હિન્દ મહાસાગરમાં આવ્યો હતો. આ ભૂકંપના આંચકા 10 મિનિટ સુધી અનુભવાયા હતા.

ભૂકંપના 2 આંચકામાં પરિવાર ખતમ થઈ ગયો

તુર્કી, સિરિયા, લેબેનોન અને ઇઝરાયલમાં ખૂબ જ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. 7.8 અને 7.6ની તીવ્રતાના ઝટકાને આ પાડોશી દેશોમાં લગભગ 4300 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. રાહત અને બચાવ અભિયાન શરૂ છે, પરંતુ મૃતદેહો મળવાનો સિલસિલો હજુ અટકી રહ્યો નથી. ખરાબ હવામાન અને મોંઘવારીના સંકટનો સામનો કરી રહેલા તુર્કીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં મૃત્યુનો આંકડો પણ 4300ને પાર કરી ગયો છે. બીજી તરફ, સિવિલ વૉરમાં ફસાયેલા સિરિયા વિશે માત્ર એટલું જ જાણવા મળી રહ્યું છે જેટલું ત્યાંના પત્રકારો આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓને જણાવી રહ્યા છે. આ ભૂકંપ પછી થોડી કહાનીઓ પણ સામે આવી રહી છે. અમે અહીં આવી જ ત્રણ કહાનીઓ તમને જણાવી રહ્યા છીએ.

તુર્કીઃ અન્ય લોકોને બચાવવા ગયો, મારો જ પરિવાર ખતમ થઈ ગયો

તુર્કીના અજમારિનમાં રહેતા ફરહાદે અમેરિકી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરી છે. તેમની કહાની ખૂબ જ હ્રદયસ્પર્શી છે. ફરહાદે કહ્યું કે, અહીં વાતાવરણ ખૂબ જ ખરાબ છે. રોજ બરફવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. તે સમયે રાતના લગભગ ચાર વાગ્યા હતા. મને કાંચ તૂટવાનો અવાજ સંભળાયો. પહેલીવારમાં એવું લાગ્યું કે કોઈએ બહારથી પથ્થર માર્યો છે. હું ઊભો થયો પરંતુ મારા પગ જમીન ઉપર ટકી રહ્યા નહોતા.

ફરહાદે કહ્યું, હું તરત સમજી ગયો કે ભૂકંપ આવ્યો છે. મેં મારા પરિવારના અન્ય 5 લોકોને જગાડ્યા. બધા જ બહારની તરફ ભાગ્યા. મારાં માતા,પિતા વૃદ્ધ હતાં. તેઓ યોગ્ય સમયે બહાર આવી શક્યાં નહીં. ગેરેજનો એક મોટો ભાગ તેમના ઉપર પડ્યો. અનેક કલાકો પછી તેમનાં શબ મળ્યાં. જ્યારે માતા,પિતાને બહાર કાઢવામાં આવી રહ્યાં હતાં, ત્યારે પત્ની અને દીકરો રસ્તા ઉપર ઊભાં હતાં. આ સમયે બીજો ઝટકો આવ્યો અને બાજુમાં આવેલી બિલ્ડિંગ થોડી સેકન્ડોમાં જ પડી ગઈ. મારી આંખ સામે જ મારું બધું જ ખતમ થઈ ગયું. સમજાતું નથી કે હવે હું ક્યાં જઇશ, કોના માટે જીવીશ.

સિરિયાઃ શબ બહાર કાઢતાં,કાઢતાં હૃદય પથ્થર સમાન થઈ ગયું

સિરિયાના સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલ એક ઓફિસરે તુર્કીની વેબસાઇટને વોટ્સએપ ઉપર ઇન્ટરવ્યૂ આપ્યો. કહ્યું, આ તો ડિઝાસ્ટરથી પણ વધુ ભયાનક છે. હું સમજી શકતો નથી કે હું શું કહું, તમે જ કોઈ નામ વિચારી લો. લોકોના મૃતદેહો બહાર કાઢતાં,કાઢતાં અમે થાકી ગયા છીએ. દર મિનિટે કોઈ ને કોઈ કાટમાળમાંથી એક લાશ બહાર આવે છે. હકીકત એવી છે કે અમારામાં એવી તાકાત નથી કે આ પ્રકારના ડિઝાસ્ટર અમે હેન્ડલ કરી શકીએ.

આ ઓફિસર આગળ કહે છે, હવે માત્ર દુનિયા જ આપણને આ મૃત્યુના દલદલમાંથી બહાર કાઢી શકે છે. અમે તેમની સમક્ષ દયા અને મદદ માટે વિનંતી કરીએ છીએ. અમે પણ માણસો છીએ, અમે પહેલાંથી જ મુશ્કેલીમાં હતા. હવે એવું લાગે છે કે જાણે બધું ખતમ થઈ ગયું છે. મને ખબર નથી કે આ દેશમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. ઘણા વિસ્તારો સુધી અમારી પહોંચ પણ નથી. હું માત્ર એટલું જ કહી શકું છું કે મૃત્યુઆંક જે વિચાર્યો હતો તેના કરતાં અનેક ગણો વધુ હશે. જેઓ બચી ગયા છે, શું તેઓ આ સિવિલ વૉરવાળા દેશમાં ટકી શકશે, શું તેઓ સારવાર મેળવી શકશે? મને નથી લાગતું.

તુર્કીઃ લોકોને બચાવવામાં મિત્ર મૃત્યુ પામ્યો

ગાઝિયાનટેપમાં રહેનાર ઇરદિમ અને તેમનો પરિવાર આ વિસ્તારમાં રહેતા હતા. તેઓ નસીબદાર રહ્યા કે તેમનો પરિવાર કોઈ પ્રકારે બચી ગયો. તેમના ઘરમાંથી બહાર આવ્યા પછી બે માળનું મકાન ધરાશાહી થઈ ગયું. થોડાં જાનવર ત્યાં રહેતાં હતાં, તેમની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. ઇરદિમ પરિવારના બચી જવાથી ખુશ છે અને તેના માટે ભગવાનનો ધન્યવાદ કરે છે. પછી થોડા સમય પછી આકાશ તરફ એકીટશે જુએ છે. ઇરદિમ રડીને કહે છે કે, આ વિસ્તારમાં 40 વર્ષથી રહું છું. રાતે જ મેં મારા ખાસ મિત્ર શિયાદને ડિનર માટે ઘરે બોલાવ્યો હતો. તે અમારા ઘરેથી બે મકાન આગળ જ રહે છે.

ઇરદિમે આગળ કહ્યું કે, હું પરિવાર સાથે રસ્તા ઉપર ઊભો હતો. સામે એક મકાન પડી રહ્યું હતું. શિયાદ મારાં બાળકોને સમજાવી રહ્યો હતો કે બધું જ ઠીક થઈ જશે. તે સમયે જ સામે એક મકાન પડી ગયું. શિયાદ બાળકોને છોડીને તે મકાનના કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવા દોડ્યો. તે ત્યાં પહોંચ્યો ત્યારે જ મકાનનો બાકી રહેલો ભાગ તેના ઉપર આવી ગયો. તે અમને હંમેશાં માટે છોડીને જતો રહ્યો.

ઝડપથી વધી રહ્યો છે મૃત્યુઆંક

તુર્કીના ગૃહમંત્રી સુલેમાન શોયલૂએ કહ્યું છે કે, “ભૂકંપનો મોટી અસર દેશના 10 શહેરો પર પડી છે. જેમાં કહમાનમારશ, હૅટે, ગાઝિયાનટેપ, ઓસ્માનિયે, અદિયામાન, સનલિઉર્ફા, મલેટિયા, ઉદાના, દિયારબાકિએર અને કિલિસ છે.”

ભૂકંપ બાદ મળેલી માહિતી અનુસાર, તુર્કી અને તેના પડોશી સીરિયામાં આના કારણે 4000 કરતાં વધુ લોકોનાં મોત થયાં છે.અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુનો આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. તુર્કીના ઉપરાષ્ટ્રપતિ ફુઆત ઓક્ટાએ એ કહ્યું છે કે, દેશમાં ભૂકંપના કારણે મૃત્યુઆંક 4,000થી વધુ થઈ ચૂક્યો છે, જ્યારે ઘાયલોની સંખ્યા 10,000થી વધુ થઈ ગઈ છે.

સિરિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, અહીં અત્યાર સુધી 237 લોકોના મરવાની અને 600થી વધુ લોકોના ઘાયલ થવાના સમાચાર છે. સીરિયાના મલેટિયા શહેરના ગવર્નરનું કહેવું છે કે, ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત થયાં છે.તેમનું કહેવું છે કે શહેરમાં 42 લોકો ઘાયલ થયા છે અને લગભગ 140 ઈમારતોને નુકસાન થયું છે. ઉસ્માનિયે શહેરના ગવર્નરે પાંચ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.તેની સાથે સાનલીઉર્ફામાં 17 અને દિયારબાકીરમાં છ લોકોનાં મોતના સમાચાર છે.

તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆનું નિવેદન

તુર્કીના રાષ્ટ્રપતિ રિચેપ તૈય્યપ અર્દોઆને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં શરૂ કરેલા બચાવકાર્યની માહિતી ટ્વિટર પર આપી હતી. તેમણે લખ્યું કે, “હું કહમાનમારશ સહિત દેશના બીજા વિસ્તારોમાં ભૂકંપ પ્રભાવિત નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. અમારા બધાં બચાવદળો એએફએડીના સમન્વયમાં સક્રિય રૂપથી કામ કરી રહ્યા છે. અમારી તપાસ અને બચાવટીમોને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવી છે. આની સાથે જ ગૃહમંત્રાલય સહિત તમામ અન્ય એજન્સીઓ તરફથી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.”

મધ્ય પૂર્વના ચાર દેશો તુર્કી, સિરિયા, લેબેનોન અને ઈઝરાયલ ધરતીકંપના કારણે બરબાદ થઈ ગયા. અંકારા, ગાઝિયાનટેપ, કહરામનમારસ, ડિયરબકીર, માલત્યા, નુરદાગી સહિત 10 શહેરોમાં ભારે વિનાશ થયો છે. સિરિયાના દમિસ્ક, અલેપ્પો, હમા, લતાકિયા સહિત અનેક શહેરોમાં ઈમારતો ધરાશાયી થવાના અહેવાલ છે. જે લોકોએ પોતાનાને ગુમાવ્યા છે, તેમની ખોટ તો કદાચ પૂરી થઈ શકે તેમ નથી, પરંતુ આશા રાખીએ કે આ વિસ્તારો ઝડપથી પોતાનું દુખ ભૂલાવવા સક્ષમ બને.

આ પણ વાંચો: Lok Sabha Elections 2024/ રાહુલ ગાંધી પછી લોકોની પસંદ પ્રિયંકા ગાંધી નહીં પરંતુ આ વ્યક્તિ છે, સર્વેમાં થયો ખુલાસો