Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. ઉત્પલ જોશી દ્વારા લેવામાં આવેલા એક વિવાદાસ્પદ નિર્ણયના કારણે યુનિવર્સિટીની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થયા છે. ડો. જોશીએ શિક્ષણ વિભાગના પરિપત્રનું ઉલ્લંઘન કરીને 285 ખાનગી કોલેજોના NOC, BU અને શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત સ્ટાફની વિગતો તેમજ ફીની ચકાસણી કર્યા વિના જ GCAS પોર્ટલ પર અપલોડ કરી દીધી છે.
આ નિર્ણયના કારણે ખાનગી કોલેજોને વિદ્યાર્થીઓ પાસેથી મનમાની ફી વસૂલ કરવાનો મોકળો માર્ગ મળી ગયો છે. શિક્ષણ વિભાગના પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ખાનગી કોલેજોએ ફાયર NOC, BU પરમિશન અને શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત સ્ટાફની સાથે ફીનું ધોરણ પણ રજૂ કરવાનું રહેશે. પરંતુ ડો. જોશીએ આ પરિપત્રને અવગણીને ખાનગી કોલેજોને લાભ પહોંચાડ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ મામલે ડો. જોશી અને ઇન્ચાર્જ કુલસચિવ ડો. રમેશ પરમારે જણાવ્યું હતું કે તેઓએ યુનિવર્સિટી સંલગ્ન ચાલુ કોલેજોના જોડાણ માટે મંજૂરી આપી છે અને GCAS પોર્ટલ પર જે તે કોલેજોની ફી, ઇન્ટેક કેપેસિટી સહિતનો ડેટા ચડાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકલ ઇન્કવાયરી કમિટી બાદમાં ચકાસણી માટે જશે. મોડું થઈ જાય તેમ હતું તેને કારણે એલઆઇસી પૂર્વ ડેટા GCAS પર ચડાવ્યો.
જોકે, શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2024-25થી રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન તમામ કોલેજો/ સંસ્થાઓના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશની કામગીરી GCAS મારફતે હાથ ધરવાની રહેશે. શૈક્ષણિક વર્ષ 2024-25માં સંબંધિત કોલેજ/સંસ્થાની ઇન્ટેકની મંજૂર સંખ્યા તથા ફીની માહિતીમાં વિસંગતતા હોઈ તેની ચકાસણી કરી વિદ્યાર્થીઓ-વાલીઓને માહિતી મળી શકે તે માટે અદ્યતન કરવી અનિવાર્ય છે. આ પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2025-26માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને તથા વાલીઓને જે તે સંસ્થા વિશે અધિકૃત માહિતી મળી રહે તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ કોલેજ/સંસ્થાની અદ્યતન માહિતી મેળવવાનું કરાવ્યું છે. જે અંતર્ગત આ વર્ષે કોલેજ/સંસ્થાની ઓનલાઈન માહિતીની સાથે સાથે તેને સંબંધિત જરૂરી દસ્તાવેજોની ઓફલાઈન ચકાસણી કરવાનું નક્કી થયું છે.
આ સમગ્ર મામલે ડો. જોશીના નિર્ણય સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું ખાનગી કોલેજો સાથેની સાંઠગાંઠના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે? શું વિદ્યાર્થીઓના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે? શું શિક્ષણ વિભાગના પરિપત્રનું ઉલ્લંઘન કરીને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવામાં આવી છે? આ તમામ સવાલોના જવાબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો આપશે કે નહીં તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો: લ્યો બોલો હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને લાગ્યો સાયરન વાળી ગાડીનો શોખ
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવા વાઈસ ચાન્સેલર મળ્યા!
આ પણ વાંચો: રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા ચકચાર
