એકબાજુએ ખેડૂતો બિચારા સારી ઉપજ ન લી શકવાના કારણે તેમની બાપદાદાના સમયની જમીન વેચી રહ્યા છે. બીજી બાજુએ મોટાલોકો પોતાની આવકને ટેક્સ ફ્રી બનાવવા માટે યેનક્રેન પ્રકારે ખેડૂત બનવા માટે દોટ લગાવી છે.
આ રીતે નકલી ખેડૂત બનવામાં મોટી-મોટી સેલિબ્રિટીઓ બાકાત નથી. હવે આ યાદીમાં વધુ એક નામ વિધાનસભાના ભૂતપૂર્વ વડા, ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્ય રમણલાલ વોરાનું ઉમેરાયું હોવાનું મનાય છે. તેમણે ખોટા દસ્તાવેજોના આધારે ગાંધીનગર જિલ્લામાં પાલેજ પાસે ખેતીલાયક જમીન ખરીદી હોવાનું કહેવાય છે.

સમરથ કો ન દોષ ગુંસાઈના આધારે તેમને કોઈ પડકારત નહી, પણ તેમને પડકારનાર પૂનમભાઈ મકવાણા પણ ભૂતપૂર્વ ધારાસભ્ય છે. આમ ભૂતપૂર્વ ધારાસભ્ય વિ. ભૂતપૂર્વ ધારાસભ્ય વચ્ચેનો આ જંગ છે. તેથી બેઉ બળિયા એકબીજા સામે ભીડાયા તેની વાત છે. બાકી સામાન્ય માનવીની તો હિંમત થાય કે તે કોઈ ધારાસભ્ય સામે આ પ્રકારની અરજી કરે, પછી તે ધારાસભ્ય ભૂતપૂર્વ પણ કેમ ન હોય.
રમણલાલ વોરાની પાછળ ભૂતપૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા પડી જતા અને રીતસરની સત્તાવાર ફરિયાદ કરતા મહેસૂલ વિભાગે છેવટે મેદાનમાં ઉતરવું પડ્યુ છે. આના લીધે મહેસૂલ વિભાગને પણ હવે કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડતા તેણે રમણલાલ વોરાના ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રની ખરાઈનો આદેશ જારી કર્યો છે.

જો કે આ વાત છેક દિલ્હી સુધી પહોંચી ત્યાર પછી પગલાં લેવાયા હતા તે હકીકત છે. આનો સીધો અર્થ એમ પણ કરી શકાય કે રમણલાલ વોરા સામેની કાર્યવાહીને ફક્ત સ્થાનિક નેતાગીરી જ નહીં પણ કેન્દ્રીય નેતાગીરીની પણ મંજૂરી મળી ગઈ છે.
રમણલાલ વોરાએ ગાંધીનગર જિલ્લાના પાલેજમાં ખેડૂત તરીકેનો બોગસ પ્રમાણપત્રના ધારે જમીનને ખરીદી હતી, તેના પછી આ જમીન વેચી દઈને તેને બિનખેતીની કરી દેવાઈ હતી. આ જમીન પાછા રમણ વોરાના પુત્રોએ જ ખરીદી હતી.

આ જ ઘટનામાં ભાજપના જ અન્ય ભૂતપૂર્વ ધારાસભ્ય દસાડાના પૂનમભાઈ મકવાણા તેમની સામે મેદાનમાં ઉતર્યા હતા. તેમની રમણલાલ વોરાએ કરેલા ખેલની બધી જ વિગત આવી જતાં તે ગેલમાં આવી ગયા હતા અને તેની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને તો ફરિયાદ કરી જ હતી, પરંતુ તેની સાથે-સાથે મહેસૂલ સચિવને પણ પત્ર લખીને ફરિયાદ કરી હતી.
તેમણે મહેસૂલ સચિવને કરેલી ફરિયાદમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇડરના ધારાસભ્ય રમણ વોરાએ ગાંધીનગર જિલ્લાના પાલેજ ખાતે સરવે નંબર 261ની જમીન ખેડૂત તરીકેના ખોટા પ્રમાણપત્રના આધારે ખરીદી હતી. આ જમીન પૂનમભાઈ, હિતેશભાઈ અને રમણભાઈના નામે ખરીદવામાં આવી હતી. રમણવોરાએ તે વખતે રજૂ કરેલા ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રમાં ભાઈઓ નામ ખોટા દર્શાવ્યા હતા. તેની સાથે પૂનમ અને હિતેશભાઈએ હક્ક જતો કર્યો છે તેમ જણાવી પત્ની અને પુત્રોના નામે જમીન કરી દીધી હતી.

બોગસ ખેડૂત ખાતેદારનો વિવાદ ચાલતો હતો તે સમયગાળા દરમિયાન જ આ જમીન બિનખેતીની કરી દેવામાં આવી હતી. આ બિનખેતીની જમીન 13 કરોડથી પણ વધુ રકમમાં રમણ વોરા અને સુહાષ વોરાના નામે કરી હતી. વિવાદાસ્પદ જમીન પાછી શ્રીસરકારની થાય અને મૂળ માલિકને પરત સોંપાય તે પહેલા જ રમણલાલ વોરાએ આ આખુ કામ આટોપી લીધું હતું.
આ જ બોગસ ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રના આધારે રમણ વોરાએ તેમના મતવિસ્તાર ઇડર શહેરની નજીક દાવડમાં પણ જમીન લીધી હતી. હવે તેમના જ સમકક્ષે તેમની સામે ફરિયાદ કરવાના કારણે રાજ્યના મહેસૂલ વિભાગમાં હરકત મચી ગઈ છે. મહેસૂલ વિભાગે ગાંધીનગર કલેક્ટરને તપાસ કરવાનો આદેશ કર્યો છે. આ બતાવે છે કે બોગસ દસ્તાવેજના આધારે જમીન લેનારા રમણ વોરાના પગ નીચેની જમીન આગામી દિવસોમાં ખસી જાય તો આશ્ચર્ય નહીં થાય.

આ પહેલાં પણ ભાજપના જ ભૂતપૂર્વ ધારાસભ્ય દીનુ સોલંકીએ પાંજરાપોળની જમીન પચાવી પાડી તેની સામે કલેક્ટરે કાર્યવાહી કરી તેમા પણ તેમને હાઈકમાન્ડની મૂકસંમતિ હોવાનું માનવામાં આવે છે. તેને લઈને દીન સોલંકીએ કલેક્ટર સામે મોરચો ખોલ્યો હતો, પરંતુ તે હજી સુધી કલેક્ટરનો વાળ પણ વાંકો કરી શક્યા નથી.
ગુજરાતમાં આમ પણ બોગસ ખેડૂત ખાતેદાર સામે સરકાર સક્રિયતાથી કાર્યવાહી કરી રહી છે. હવે તેમા દીનુ સોલંકી પછી રમણ વોરા પણ ઝપટે ચઢી જવાના છે. ખેડૂતોને મળતા લાભ મેળવવા માટે બોગસ ખેડૂત ખાતેદાર બનવાનું કૌભાંડ રાજ્યમાં મોટાપાયે ચાલે છે. તેની સામે સરકારે પણ સાફસૂફી આદરી છે.
એકલા ગાંધીનગર જિલ્લામાં જ 2024માં બોગસ ખાતેદાર બન્યાની કુલ 92 ફરિયાદો તંત્રને મળી હતી. તેમા તપાસ કરવામાં આવતા 62 બોગસ ખેડૂત ખાતેદાર હોવાનું પુરવાર થયું હતું. કુલ દસ કરોડનો દંડ પણ વસૂલાયો છે. આ ફક્ત ગાંધીનગરની વાત થઈ. આ પ્રકારની ફરિયાદો રાજ્યના કેટલાય જિલ્લાઓમાં થઈ રહી છે. તેને લઈ સરકાર પણ હવે ખેડૂત તરીકે ખોટા લાભો મેળવનારાઓ સામે કડક બની છે.
આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?
આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો
આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત
