Rajkot News: રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સોમવારે (28 એપ્રિલ)ના રોજ બાપુનગર વિસ્તારના સ્લમ ક્વાર્ટરમાં ત્રણ લોકોએ પ્રેમ પ્રકરણના કારણે મુસ્લિમ યુવક સાથે ઝઘડો કરી તેની હત્યા કરી નાખી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જો કે, થોડા કલાકોમાં જ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય એક ફરાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
શું હતી ઘટના?
રાજકોટના બાપુનગર વિસ્તારમાં નીલકમલ ફર્નિચર પાસેના સ્મશાન ભૂમિ પાસે ડિસ્ટ્રિક્ટ ગાર્ડન સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા 20 વર્ષીય ઝીશાન કાસવાણી પર સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ અમન મહેબૂબ ચૌહાણ, અફઝલ સિકંદર જુનેજા અને કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ લડાઈમાં અસામાજિક તત્વોએ જીશાનનું ગળું દબાવીને હત્યા કરી હતી અને બાદમાં પેટમાં છરો મારીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતા જ પોલીસ એલસીબી ઝોન-1 અને ક્રાઈમ બ્રાંચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક માહિતીમાં પ્રેમ પ્રકરણનો કિસ્સો બહાર આવ્યો હતો. તપાસ બાદ પોલીસે થોડા જ કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી અને અન્ય ફરાર આરોપીઓને શોધી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીશાનને આરોપી અમન ચૌહાણની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. આરોપી અમનના લગ્ન 15 દિવસ પહેલા જ થયા હતા અને શંકાના આધારે હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: રાજકોટના ચકચારી મર્ડર કેસ માં આરોપીના ગુજરાત હાઇ કોર્ટ દ્વારા જામીન મંજૂર
