Jamnagar News : જામનગરના ધ્રોલમાં એક જ પરિવારના ત્રણ બાકોનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ બનાવની વિગત મુજબ ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે આ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં ખેતમજૂરી કરતા એક પરિવારના ત્રણ બાળકોના પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિશાલ, ટીનુબેન અને શકીના નામના ત્રણ બાળકો ઘરની નજીક રમી રહ્યા હતા. રમતાં-રમતાં તેઓ નજીકના પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી ગયા હતા. બાળકોને તરતા ન આવડતું હોવાથી ત્રણેય ડૂબી ગયા હતા.ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પરિવારજનો તરત જ દોડી આવ્યા હતા. બાળકોને બહાર કાઢીને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે ત્રણેય બાળકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા.આ દુર્ઘટનાની જાણ થતાં ધ્રોલ પોલીસ તરત જ હોસ્પિટલ પહોંચી હતી.
પોલીસે મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ હાથ ધરી છે.વાંકિયા ગામના સરપંચ અને અન્ય સ્થાનિક આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી. ત્રણ બાળકોના અચાનક અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
હોસ્પિટલમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બે પુત્રીઓ અને એક પુત્રના અકાળે અવસાનથી પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.
આ પણ વાંચો:મહીસાગરમાં 8 વર્ષના બાળકનું શ્વાન કરડવાથી મોત
આ પણ વાંચો:મહીસાગરમાં લાઉડસ્પીકર વગાડી સુપ્રીમ કોર્ટના આદેશ ભંગ કરવા બદલ પોલીસનું એકશન
આ પણ વાંચો:મહીસાગર જિલ્લાના અનેક ગામોમાં ‘નલ સે જલ’ ફક્ત કાગળ પર: કોંગ્રેસ
