Vadodara News : રાજ્ય સરકારના નૂતન મંત્રીમંડળમાં ઊર્જા વિભાગનું દાયિત્વ સંભાળ્યા બાદ વડોદરાની પહોંચેલા મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ, મધ્ય ગુજરાત વીજ કંપનીના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર મુલાકાત દરમિયાન મંત્રીએ વીજ વિતરણથી માંડી ફરિયાદ નિવારણ સુધીના વિવિધ તબક્કાની કામગીરીમાં ઓટેમેશન વધારવા ઉપર ભાર મૂક્યો હતો.
ઊર્જા મંત્રીએ તેમની મુલાકાતનો પ્રારંભ જેટકોના સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર(SLDC)થી કર્યો હતો. ઊર્જા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ જેનુ દેવન, ઉપેન્દ્ર પાંડે, શ્રીમતી પ્રીતિ શર્મા, સોમેશ બંદોપાધ્યાય સહિતના અધિકારીઓ દ્વારા લોડ ડિસ્પેચ સેન્ટર દ્વારા થતી કામગીરીની માહિતી પૂરી પાડી હતી. એસએલડીસી 24 કલાક કાર્યરત રહેતું કેન્દ્ર છે.

અહીં વીજળીની માંગ અને પુરવઠાને ધ્યાને રાખી ખરીદ ભાવોની સમીક્ષા સહિતનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં દિવસ રાત 24 બાય 7 વીજળીની માંગ અને પુરવઠાનું સંતુલન સતત જળવાઈ રહે તે રીતે એક જ સ્થળેથી નિયંત્રણની વ્યવસ્થા મંત્રીએ નિહાળી હતી.આ સેન્ટર ઊર્જા વિભાગના હ્રદય સમાન છે. તેમણે અહીં એનર્જી અકાઉંટિંગની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે પ્રેરક સૂચનો કર્યા હતા.
તત્પશ્ચાત, પટેલે ગોત્રી સ્થિત 220 કિલોવોટ સબ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને અહીં તેમણે ટ્રાન્ફોર્મર, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનની પ્રક્રિયા નિહાળી હતી. તેમણે અહીં મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી વીજસેવાઓ બહેતર બનાવવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

તદ્દઉપરાંત, ઊર્જા મંત્રીએ સુપરવાઇઝરી કન્ટ્રોલ એન્ડ ડાટા એક્વિઝીશન સેન્ટર, સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે ઊર્જા વિભાગ દ્વારા વીજ નિયંત્રણ, પુરવઠા સંબંધિત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં નવી અરજીઓની મંજૂરી પ્રક્રીયા, લોડ વધારવા ઘટાડવાને લગતી કામગીરી, માળખાકીય સુવિધાને લગત કામગીરી કરવામાં આવે છે.
વીજ ગ્રાહકો સાથે સીધી રીતે સંકળાયેલા કસ્ટમર કેર સેન્ટરની મુલાકાતે પણ મંત્રી પહોંચ્યા હતા. કુબેર ભવન સ્થિત ગ્રાહક સેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારની 14 સેવાઓ કેવી રીતે પૂરી પાડવામાં આવે છે ? કસ્ટમર કેર સેન્ટરમાં ગ્રાહકોના ટોલ ફ્રી નંબર /હેલ્પલાઈન પરના કોલ કે સોશ્યિલ મીડિયાના માધ્યમ ઇમેઇલ, વોટ્સએપ, વિગેરે થકી મળતી ફરિયાદોનું નિરાકરણ પ્રત્યક્ષ રીતે તેમણે નિહાળ્યું હતુંં.

જેમાં મીટરમાં નામ બદલવા, ફોલ્ટ રેક્ટિફિકેશન કોલ, નવા વીજ જોડાણ સહિતની બાબતોથી તેઓ માહિતગાર થયા હતા. આ ઉપરાંત ગ્રાહક દ્વારા થતી ફરિયાદનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવે છે ? તેની પણ પ્રત્યક્ષ ફોન કોલ દ્વારા જાણકારી મેળવી હતી.મંત્રીએ ગ્રાહક સેવામાં ઓટેમેશન વધારી તેમાં ત્વરિત સેવાઓ કેવી રીતે આપી શકાય એ દિશામાં કામ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચો: ગુજરાતના દક્ષિણ ડાંગમાં ‘લખપતિ દીદી યોજના’થી આદિવાસી મહિલાઓનું થયું ઉત્થાન
આ પણ વાંચો: ગુજરાતે FY2026-27 સુધીમાં રાજ્યને 500 અરબ ડોલરનું અર્થતંત્ર રાજ્ય બનાવવાનું કર્યું નક્કી
