Gandhinagar News/ પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે માઈભક્તોનો મહાકુંભ

ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

Top Stories Gandhinagar Gujarat Breaking News
Beginners guide to 55 પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે માઈભક્તોનો મહાકુંભ

Gandhinagar news ; ભારત સહિત સમગ્ર વિશ્વમાં અત્યારે સનાતન ધર્મ વિશે લોકોમાં જિજ્ઞાસા સતત વધી રહી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે 144 વર્ષમાં એક વાર યોજાતો મહાકુંભ ચાલી રહ્યો છે. સમગ્ર દેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ તેમજ અન્ય દેશોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભ પહોંચી રહ્યા છે અને પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા છે.

પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે હવે ગુજરાતમાં પણ એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડુબકી લગાવવા માટે જ નહીં, પરંતુ એક જ જન્મમાં, એક જ સ્થળે એકસાથે 51 શક્તિપીઠોની પરિક્રમા કરવા માટે આવશે. માઈભક્તોનો આ મહાકુંભ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત અંબાજી શક્તિપીઠ ખાતે યોજાશે, જે 51 શક્તિપીઠોમાંનું એક છે.

ભારતભરમાં યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ ગુજરાતના શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ખાતે ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો 9 ફેબ્રુઆરીથી શુભારંભ થશે. 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં લાખો માઈભક્તો ઉમટશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવવામાં આવેલા આ પરિક્રમા ઉત્સવની પરંપરાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુપેરે આગળ વધારી છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પણ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB) તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

વડાપ્રધાનની સંકલ્પનાને સાકાર કરતી 51 શક્તિપીઠ પરિક્રમા

માતા પાર્વતીની 51 શક્તિપીઠોમાંની એક અંબાજી શક્તિપીઠ ખાતે આવતા શ્રદ્ધાળુઓ અંબાજી સહિત તમામ શક્તિપીઠોના દર્શન કરી શકે; તે માટે વર્ષ 2004માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે મા પાર્વતીની તમામ શક્તિપીઠોની પ્રતિકૃતિની સ્થાપના કરવાની પરિકલ્પના કરી હતી. તેમણે જ આ 51 શક્તિપીઠોનું ભૂમિપૂજન કર્યુ હતું, જેનું કાર્ય વર્ષ 2014માં પૂર્ણ થયું હતું. વર્ષ 2022થી રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રએ સાથે મળીને રાજ્યકક્ષાના પરિક્રમા મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી.

આ વર્ષે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં દર વર્ષે માઈભક્તોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. ગત વર્ષે આ મહોત્સવમાં આશરે 13 લાખ 15 હજાર શ્રદ્ધાળુઓએ 51 શક્તિપીઠોની પરિક્રમા કરી હતી, ત્યારે આ વર્ષે આ સંખ્યા 15 લાખને વટાવવાની શક્યતા છે.

એક જ જન્મમાં, એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શન

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશભાઈ મેરજાએ જણાવ્યું કે અંબાજી ખાતે 51 શક્તિપીઠ મહોત્સવ દર વર્ષે મહા સુદ 12થી મહા સુદ 14 દરમિયાન યોજવામાં આવે છે અને તિથિ પ્રમાણે આ વર્ષે આ મહોત્સવ 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. GPYVB તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન સહિત તમામ પ્રકારની સગવડો કરવામાં આવી છે. આ મહોત્સવનો મૂળમંત્ર છે “એક જ જન્મમાં, એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શન કરવાનો સુલભ્ય અવસર.”

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના કાર્યક્રમો

આ વર્ષે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, ઘંટી યાત્રા તથા ધજા યાત્રા નીકળશે. આ ઉપરાંત, વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો/ધર્મગુરૂઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, આનંદના ગરબા, વિવિધ મંડળો દ્વારા પરિક્રમા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૉરેસ્ટ, પોલીસ, આરોગ્ય વગેરે વિભાગો દ્વારા યાત્રા જેવા કાર્યક્રમો યોજાશે.

બીજા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, પાદુકા યાત્રા અને ચામર યાત્રા નીકળશે. આ દરમિયાન વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો/ધર્મગુરુઓના આશીર્વચન, આનંદના ગરબાની અખંડ ધૂન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો તેમજ વિવિધ સમાજો દ્વારા પરિક્રમા યાત્રા, રાત્રિ પરિક્રમા દર્શન સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

11 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, મશાલ યાત્રા, જ્યોત યાત્રા તથા ત્રિશૂળ યાત્રા યોજાશે. ત્રીજા દિવસે પણ વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો/ધર્મગુરુઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, મંત્રોત્સવ, ડ્રોન દ્વારા પુષ્પવૃષ્ટિ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો દ્વારા પરિક્રમા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગબ્બરના શિખર પર રાત્રે 12 કલાકે આરતી જેવા કાર્યક્રમો યોજાશે.

આરતી-દર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવનારા આશરે 15 લાખ શ્રદ્ધાળુઓ માટે GPYVB તેમજ જિલ્લા વહીવટી તંત્રએ મોટાપાયે તૈયારીઓ કરી છે. મહોત્સવ દરમિયાન અંબાજી મંદિરમાં આરતી-દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે, તે મુજબ સવારની આરતી 7.30થી 8.00 કલાકે, દર્શન 09.30થી 11.30 કલાકે થશે. 11.30થી 12.30 કલાકે દર્શન બંધ રહેશે. 12.30થી 16.30 કલાકે દર્શન ચાલુ રહેશે. 16.30થી 19.00 કલાકે દર્શન બંધ રહેશે. સંધ્યા આરતી 19.00થી 19.30 કલાકે યોજાશે. સંધ્યા દર્શન 19.00થી 21.00 કલાક દરમિયાન થઈ શકશે.

ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન 9થી 11 ફેબ્રુઆરીએ સાંજે 7.00થી રાત્રે 10.00 કલાક દરમિયાન અંબાજીમાં ખેડબ્રહ્મા રોડ પર રબારી સમાજ ધર્મશાળા સામે ડી. કે. ત્રિવેદી બંગલૉઝની સામે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તથા ત્રણેય દિવસ સંધ્યા આરતી સાથે સાંજે 7.00થી 7.45 કલાક દરમિયાન ગબ્બર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉ યોજાશે.

નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થાઓ

આ સાથે જ; મહોત્સવમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 7 જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં અંબિકા ભોજનાલય-અંબાજી, જીએમડીસી ગ્રાઉન્ડ-અંબાજી, માંગલ્ય વન જવાના માર્ગે (શાંતિ વન), નવી કૉલેજ, દાંતા રોડ તથા આરટીઓ ચેકપોસ્ટ-આબુ હાઈવે ખાતે યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગબ્બર રોડ-વન ચેતના કેન્દ્ર ખાતે અધિકારીઓ અને સ્ટાફ માટે તથા ગબ્બર – ચુંદડીવાળા માતાજી ખાતે પોલીસ સ્ટાફ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા રહેશે.

પાર્કિંગ સ્થળથી નિઃશુલ્ક બસ સેવા

બહોળી સંખ્યામાં ઉમટી પડનાર શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમાં એસટી બસો દ્વારા આવનાર યાત્રાળુઓ માટે આરટીઓ સર્કલ રોડ, નવી કૉલેજ સામે સિવિલ હૉસ્પિટલ વિસ્તાર, જીએમડીસી ગ્રાઉન્ડ તથા શાંતિ વન ખાતે નિઃશુલ્ક હંગામી પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. ખાનગી વાહનો માટે સર્વે નંબર 90, જૂની કૉલેજ રોડ (હડાદ રોડ), દિવાળીબા ગુરુ ભવન, શક્તિ દ્વારની સામે, કૈલાશ ટેકરીની સામે, આપેશ્વર મહાદેવ મંદિરની સામે તથા સવિતા ગોવિંદ સદનની બાજુમાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત પાર્કિંગ પ્લૉટ પર ઉતરનાર તમામ શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ સ્થળથી નિઃશુલ્ક મિની બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં બેસીને તેઓ પરિક્રમા મહોત્સવમાં પહોંચી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 111 કરોડની સાયબર છેતરપિંડી કરવા માટે આપ્યા 623 બેંક ખાતાઓ, ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો: સુરતમાં તબીબ સાથે કરોડોની છેતરપિંડી

આ પણ વાંચો: સુરતમાં કાપડના વેપારી સાથે 72 લાખની છેતરપિંડી