ગુજરાતમાં અકસ્માતના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યા છે, વાહનચાલકો ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને વાહન ઓવરસ્પીડમાં ચલાવે છે જેના લીધે અકસ્માતના કેસો ખુબ વધી રહ્યા છે. કચ્છમાં મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માત દેવપર નજીક થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નખત્રાણાના દેવપર અને ધાવડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોનાં મોત થયા છે. ટ્રકની ટક્કર બાદ કારમાં સવાર કુલ છ લોકોમાંથી ચારનાં મોત થયા છે, જ્યારે બે લોકોનાં ઈજા પહોંચી છે. મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર નખત્રાણાના મણીનગરનો ગોસ્વામી પરિવાર હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અકસ્માત થતા આજુબાજુના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા અને ચોમેર ટ્રાફિક જામ થઇ ગયો હતો,અકસ્માતની જાણ પોલીસને થતા તે ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
