ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન EDની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. જેના બાદ તેમની નજીકના લોકો પણ EDની રડારમાં છે. EDએ મુખ્યમંત્રી હેમંત સોરેનના પ્રેસ સલાહકાર અને સાહિબગંજ ડેપ્યુટી કમિશનરના નિવાસ પર દરોડા પાડ્યા. હાલમાં ઝારખંડ સરકાર સંકટથી ઘેરાયેલ છે. EDની ટીમ આજે સવારે સીએમ હેમંત સોરેનની નજીકના લોકોના સ્થળોએ પહોંચી છે. તેમજ CM હેમંત સોરેનને ઇડીએ પાંચથી વધુ વખત સમન્સ મોકલ્યા બાદ પણ હાજર ના થવા પર કોઈપણ સમયે અટકાયત થવાના એંધાણ છે.
ઈડીએ CM હેમંત સોરેન બાદ તેમના નજીકના લોકો પર કાર્યવાહી હાથ ધરી છે. સીએમ હેમંત સોરેનના પ્રેસ સલાહકાર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુના નિવાસસ્થાન અને સાહિબગંજ ડેપ્યુટી કમિશનરના નિવાસ પર પર EDએ દરોડા પાડ્યા છે. હેમંત સોરેનના નજીકના કહેવાતા લોકો ઉપરાંત ઇડી દ્વારા 12 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ઇડી ઝારખંડના સાહિબગંજ ગેરકાયદે માઇનિંગ મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડી રહી છે.
બુધવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાંચી, દેવઘર, સાહિબગંજ અને કોલકાતામાં એક સાથે દરોડા પાડ્યા હતા. EDની ટીમો સાહિબગંજના ડેપ્યુટી કમિશનર રામનિવાસ યાદવ અને દેવઘરમાં પૂર્વ ધારાસભ્ય પપ્પુ યાદવ, આર્કિટેક્ટ બિનોદ સિંહ અને રાંચીમાં કોન્ટ્રાક્ટર સરોગીના સ્થળોએ પહોંચી છે. હજારીબાગમાં ડીએસપી રાજેન્દ્ર દુબે અને કોલકાતામાં બિઝનેસમેન અભય સરોગીના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે EDની આ કાર્યવાહી ત્યારે સામે આવી છે જ્યારે સીએમ સોરેને એક દિવસ પહેલા જ છેલ્લા સમન્સનો સણસણતો જવાબ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડી દ્વારા હેમંત સોરેનને સાત સમન્સ મોકલવામાં આવ્યા હતા. EDએ તાજેતરમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સાતમું અને છેલ્લું સમન્સ મોકલ્યું હતું. જેનો તેમણે મંગળવારે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. EDએ સમન્સમાં પૂછપરછ માટે દિવસ અને સ્થળ પૂછ્યું હતું પરંતુ સોરેને આ સંદર્ભમાં કોઈ જવાબ આપ્યો ન હતો.
ઇડીએ અત્યાર સુધી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને કુલ સાત સમન્સ મોકલ્યા હતા. પહેલું સમન્સ 14 ઓગસ્ટ, બીજું સમન્સ 24 ઓગસ્ટ, ત્રીજું સમન્સ 9 સપ્ટેમ્બર, ચોથું સમન્સ 23 સપ્ટેમ્બર, પાંચમું સમન્સ 4 ઓક્ટોબર અને છઠ્ઠું 12 ડિસેમ્બરના રોજ સમન્સ મોકલ્યું હતું. જ્યારે સાતમું અને છેલ્લું સમન્સ 29 ડિસેમ્બર મોકલતા તેમને સ્થળ અને તારીખ નક્કી કરવા જણાવ્યું હતું.
જો કે 7 સમન્સ બાદ પણ CM હેમંત સોરેન ED સમક્ષ હાજર ના થતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હવે કોઈ મોટી કાર્યવાહી કરવાનું વિચારતી હોવાની રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા ચાલી છે. ઇડીની કાર્યવાહી બાદ ઝારખંડમાં રાજકીય માહોલ ગરમાયો છે. હેમંત સોરેનની સંભવિત અટકાયતને પગલે તેઓ સભ્યપદ ગુમાવે તો ઝારખંડ સરકાર જોખમમાં આવી શકે. આ મામલે નિર્ણાયક ચર્ચા કરવા આજે મહાગઠબંધનના ધારાસભ્યોની બેઠક પણ બોલાવવામાં આવી છે. આ બેઠકમાં રાજકીય સંકટમાંથી બહાર આવવા માટે મુખ્યમંત્રી સોરેનની પત્ની કલ્પનાને મુખ્યમંત્રી બનાવવાને લઈને પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે.
