સુરતમાં બનેલી મોટી ઘટના બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા હરકતમાં આવી ગયુ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે અમદાવાદનાં ઘણા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. શહેરનાં સી.જી રોડ પર આવેલ બાલાજી હાઇટ્સનાં દસમા માળ પર બ્લ્યૂ રુફટોપ રેસ્ટોરન્ટ સામે પણ તંત્રે એ લાલ આંખ કરી છે.
અમદાવાદમાં આવેલા સી.જી.રોડ પર આવેલી બાલાજી હાઇટ્સને નવ માળ સુધી બાંધકામની પરવાનગી આપવામાં આવી હતી. તેમ છતાં 10 માં માળ પર ગેરકાયદેસર રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે. સાથે જ જ્યારે આવી હાઇરાઈઝ બિલ્ડીંગમાં આગ લાગતી હોય છે ત્યારે ફાયર વિભાગની ટીમોને પણ બચાવ કામગીરીમાં વિક્ષેપ થતો હોય છે. અને લોકોના જીવ બચાવવા મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આજે એસ્ટેટ વિભાગ દ્વારા આ ગેરકાયદેસર ઉભું કરાયેલું દબાણ દૂર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં સરથાણાનાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગમાં 23 નિર્દોષ વિદ્યાર્થીઓનાં જીવ ગયા છે. 16થી વધુ વિધાર્થીઓ જીવતા ભૂંજાઇ ગયા તો બાકીનાં વિધાર્થીઓ આગથી બચવા ચોથા માળેથી મારેલ મોતની છલાંગમાં મૃત્યુ પામ્યા. સુરતની ગોઝારી આગની ઘટનાનાં પડઘા ગાંધીગનર-દિલ્હીથી લઈને સમગ્ર દેશમાં જોવા મળ્યા હતા. સરકારી તંત્ર સફાળું જાગી ગયું અને રાજ્યભરમાં બિલાળીનાં ટોપની જેમ જ્યાં ને ત્યાં ઉગી નિકળેલા ટ્યુશન ક્લાસીસો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સુરતનાં ક્લાસીસ સંચાલકો સામે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. ત્યારે અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. હવે વધુમાં અમદાવાદ મહાનગરપાલિકા પણ એક્શનનાં મૂડમાં આવી ગઇ છે અને શહેરનાં સી.જી. રોડ પર આવેલ બાલાજી હાઇટ્સનાં દસમાં માળ પર ચાલી રહેલી બ્લ્યૂ રુફટોપ રેસ્ટોરન્ટ સામે લાલ આંખ કરી છે.
