દીપકલા જંકશનના માલિક પ્રદીપ શાહ સામે ફરિયાદ નોંધાવવામાં અવી છે. તેમની સામે આપઘાતના પ્રયાસ માટે દુષ્પ્રેરણા કરી હોવાનો ગુનો નોંધાયો છે. આ મામલે માંલીતી મળી રહી છે. શોરૂમના કનુભાઈ નામના કર્મીએ ડીપ્રેશનમાં આવેને જાતે જ બ્લેડના ઘા મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રદીપ શાહ અવાર નવાર પગાર કાપવાની અને અન્ય બાબતોને લઈને ત્રાસ આપતા હતા. કનુભાઈને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ખોખરા વિસ્તારમાં રહેતા કનુભાઇ ગોપાલભાઇ પ્રજાપતિ સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજી ચાર રસ્તા પાસે દીપકલા જંકશન નામની સાડીની દુકાનમાં છેલ્લા સાત વર્ષથી કામ કરે છે. ખોખરા વિસ્તારમાં રહેતા દુકાનના માલીક પ્રદીપભાઇ શાહ છેલ્લા બે મહિનાથી ગોપાલભાઇને ટાર્ગેટ કરી હેરાન કરતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ફરિયાદમાં કનુભાઇએ જણાવ્યું છે કે, જો નોકરીમાં પાંચ મીનિટ લેટ થાય તો 25 ટકા પગાર કાપતા હતો. જો એનાથી વધારે મોડુ થાય તો 50 ટકા પગાર કાપતા હતા. એટલું જ નહીં શનિવાર અને રવિવાર ફરજિયાત દુકાને કામે બોલાવતા. જો ન આવે તો સોમવારે નોકરી પર હાજર ગણતા ન હતા.
ફરિયાદમાં કનુભાઇએ જણાવ્યું હતું કે, શેઠે ગુસ્સે થઇને બધાની વચ્ચે અપાનિત કરી કહ્યું હતું કે, ‘તમે બુદ્ધિમાં ગધેડા જેવા અનેક કામમાં ઘરડા બળદ જેવા થઇ ગયેલા છો, જો તમારાથી કામ ન થઈ રહ્યું હોય તો શા માટે ધરતી પર ભાર બનીને જીવી રહ્યા છો…’ જો કે શેઠને અપમાનિત શબ્દો ન બોલવા માટેનું કહેતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે, “તારે નોકરી કરવી હોય તો કર મારે તારી કોઈ જરૂર નથી. તું બધાનો નેતા ન બનતો, નહીં તો તારું જીવવું ભારે કરી દઈશ. હું કોણ છું તેનું તને ભાન નથી. મારી ઊંચી ઊંચી લાગવગ છે. તને અને તારા કામદારને અમદાવાદમાં રહેવું મુશ્કેલ કરી દઈશ.”
વારંવાર બધાની વચ્ચે અપમાન થતા કનુભાઈએ 25મી ફેબ્રુઆરીના દિવસે મોડી રાત્રે સુસાઇડ નોટ લખીને નારોલ-નરોડા હાઇવેની સામે એક્સપ્રેસ હાઇવેના ઝીરો પોઈન્ટ બગીચામાં ગયા હતા. અહીં તેમણે તેમના હાથ-પગ અને ગળાના ડાબી બાજુના ભાગે બ્લેડના ઘા મારી દીધા હતા અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અહીં લોહીલુહાણ હાલતમાં બેભાન થઇ જતાં તેઓને તાત્કાલિક સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
