અમદાવાદ
ધોધમાર વરસાદથી ઠેર ઠેર શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. ત્યારે અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં પણ ભૂવો પડવાની ઘટના બનવા પામી હતી.
કાંકરિયા વિસ્તારમાં વ્યાયામ શાળાના ગેટની અંદરની બાજુએ રોડ પર ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત રસ્તા પર પણ ગાબડું પડવાની ઘટના બની હતી. આથી મનપાની ટીમ દ્વારા રીપેરીંગ કામ હાથ ધરાયું હતું.
જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મસમોટો ભૂવો પડ્યો જેનું રિપેરિંગ કામ હજુ સુંધી ચાલુ છે. જેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ સિવાય દાણીલીમડા ચાર રસ્તા પાસેથી ખોડિયારનગર ચાર રસ્તા વચ્ચે બે ભૂવા પડ્યા હતાં.
મહત્વનું છે કે આ પહેલા પણ આ રસ્તા પર ભૂવો પડ્યો હતો અને જેમ તેમ કરીને તેનું સમારકામ કરી દેવાયું હતું. ત્યારે ફરી વખત એ જ રસ્તા પર ભૂવો પડતા કેવું સમારકામ થયું હશે તે સામે આવી ગયું છે.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી મુક્તિનગર સોસાયટીમાં ભુવો પડવાને કારણે ભાઈ-બહેન ઈજાગ્રસ્ત થયા હતા. શુક્રવારે સોસાયટીના 7 નંબરના મકાનમાં વરસાદને કારણે ભુવો પડ્યો હતો.
મુક્તિનગર સોસાયટીમાં રહેતી 20 વર્ષીય પ્રેઝી વરસાદને કારણે સોસાયટીમાં ભરાયેલું પાણી જોવા માટે ઘરની બહાર દોડી હતી. આ સમયે સોસાયટીના કોટની આસપાસનો વિસ્તાર બેસી ગયો હતો અને તે અંદર ખાબકી હતી. પ્રેઝીએ બૂમાબૂમ કરી મૂકતા તેનો 18 વર્ષનો ભાઈ રિજોય તેની મદદ માટે બહાર દોડ્યો હતો.
રિજોય તેની બહેનની કોઈ મદદ કરે તે પહેલા જ તે પણ ભુવામાં ખાબક્યો હતો. બાદમાં દોડી આવેલા લોકોએ બંનેને બહાર કાઢ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
બાપુનગર વિસ્તારમાં પણ રોડ પર ભુવો પડ્યો હતો. ત્યારે મનપાના પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખુલી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પડેલા પહેલા જ વરસાદમાં તંત્રની પ્રિ મોનસુન કામગીરી ખુલ્લી પડી છે. ચાલુ વર્ષે એ.એમ.સી દ્વારા રોડ રસ્તાઓ પાછળ 90 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો.
તો બીજીબાજુ અઠવાડિયા પહેલા પડેલા ધોધમાર વરસાદને કારણે જીવરાજ પાર્ક વિસ્તારમાં 20 ફૂટ જેટલો ભૂવો પડ્યો હતો. જીવરાજ પાર્ક ચાર રસ્તાથી એપીએમસી જતા રસ્તા પર 20 ફૂટ જેટલો મોટો ભૂવો પડ્યો હતો
