ભારત આવતા મહિને રાજધાની દિલ્હીમાં G-20 સમિટનું આયોજન કરશે. આ સંમેલનમાં જી-20 દેશોના નેતાઓ ભાગ લેશે. આવતા મહિનાની 9 અને 10 તારીખે દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાનારી આ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ માટે સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બે દિવસ માટે દિલ્હી કિલ્લામાં ફેરવાઈ જશે. એટલું જ નહીં, ભારતીય વાયુસેના નવી એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ્સ પણ તૈનાત કરશે તેમજ તેની એરબોર્ન વોર્નિંગ સિસ્ટમ્સ, રાફેલ સહિત ફાઈટર જેટ્સને હાઈ એલર્ટ પર રાખશે.
કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ પણ સુરક્ષાને મજબૂત બનાવશે
સંરક્ષણ સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ મીટિંગને ધ્યાનમાં રાખીને એરફોર્સ દિલ્હી એરસ્પેસની સુરક્ષા કરશે. ભારતીય વાયુસેનાએ આ માટે અનેક પગલાં લીધા છે. વાયુસેના વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને કોઈપણ સંભવિત હવાઈ ખતરા સામે રક્ષણ આપવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં હવાઈ સંરક્ષણ મિસાઈલો તેમજ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ્સ તૈનાત કરી રહી છે. ઉપરાંત, દેશના ઉત્તરીય ભાગોમાં કોઈપણ હિલચાલ પર નજર રાખવા માટે એરબોર્ન વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમ્સ તૈનાત કરવામાં આવી રહી છે. તેઓ હવામાં હોય ત્યારે સતત આકાશ પર નજર રાખશે. આ સાથે સ્વદેશી સર્વેલન્સ એરક્રાફ્ટ ‘નેત્રા’ પણ આ વિસ્તારમાં નિયમિત દેખરેખ રાખશે.
MRSAM મિસાઇલ તૈનાત કરવામાં આવી રહી છે
મિડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (MRSAM) એ દિલ્હી એરસ્પેસની સુરક્ષા માટે એરફોર્સ દ્વારા તૈનાત કરાયેલી એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ્સમાંની એક છે. તે 70-80 કિમીના અંતરેથી ટાર્ગેટને હિટ કરી શકે છે.