Ahmedabad Online Shopping Fraud: અમદાવાદ શહેરમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર સસ્તી અને આકર્ષક જાહેરાતો મૂકીને ગઠિયાઓ હવે ભણેલા-ગણેલા લોકોને પણ શિકાર બનાવી રહ્યા છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પરથી કપડાં અને કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઓર્ડર આપવા જતાં એક યુવક અને યુવતીએ કુલ 58,000 રૂપિયાથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે વાસણા અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.
વાસણાના વેપારી સાથે ‘મેમ્બરશીપ’ના નામે Fraud
વાસણા વિસ્તારમાં સોલાર પેનલનો બિઝનેસ કરતા 24 વર્ષીય જૈનિશકુમાર જોષી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા, તે દરમિયાન એક કોસ્મેટિક જાહેરાતની લિંક પર ક્લિક કરતા ટેલિગ્રામ ચેનલ ઓપન થઈ હતી. ગઠિયાઓએ શરૂઆતમાં રજીસ્ટ્રેશનના નામે માત્ર 199 રૂપિયા માંગ્યા હતા અને ત્યારબાદ પ્રોડક્ટ ઓર્ડર તથા મેમ્બરશીપના બહાને 1,500 અને 8,777 રૂપિયા પડાવ્યા હતા. યુવકે જ્યારે બેંક સ્ટેટમેન્ટ ચેક કર્યું ત્યારે તેને જાણવા મળ્યું કે તેની જાણ બહાર પણ 7,000 અને 8,777 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા, આમ ટુકડે-ટુકડે કુલ 35,030 રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

1000ના કપડાં માટે યુવતીએ 23 હજાર ચૂકવ્યા
દાણીલીમડામાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 27 વર્ષીય યુવતીને ‘H & M WOMAN GARMENTS’ નામની નકલી પ્રોફાઇલ નડી હતી, જેમાં તેણે માત્ર 1000 રૂપિયાના કપડાંનો ઓર્ડર આપ્યો હતો. ઠગે ‘બિલિંગ પ્રોસેસ અટકી ગઈ છે’ અને ‘GST રિફંડ મળશે’ તેમ કહી નકલી ઇન્વોઇસ મોકલીને તેનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ રિફંડ કાર્ડ રિન્યુ કરવાના નામે યુવતી પાસેથી કુલ 23,040 રૂપિયા પડાવી લીધા હતા. જ્યારે ગઠિયા દ્વારા વધુ 11,500 રૂપિયાની માંગણી કરવામાં આવી ત્યારે યુવતીને પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થયો હતો.
સાયબર એક્સપર્ટની સલાહ
સાયબર નિષ્ણાતોના મતે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક જાહેરાત સાચી હોતી નથી, તેથી છેતરપિંડીથી બચવા માટે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર અજાણી લિંક પર ક્લિક કરી ટેલિગ્રામ પર ક્યારેય પેમેન્ટ કરવું જોઈએ નહીં. હંમેશા વેબસાઇટ ચેક કરવી અને બ્રાન્ડેડ કપડાં તેની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ ખરીદવા જોઈએ, સાથે જ જે જાહેરાતમાં અસાધારણ વળતર કે વસ્તુ સસ્તી મળતી હોય તેવી લાલચથી દૂર રહેવું હિતાવહ છે. તેમ છતાં જો કોઈ છેતરપિંડી થાય તો વિલંબ કર્યા વગર તુરંત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી ફરિયાદ નોંધાવવી જોઈએ.
