આજના ડિજિટલ યુગમાં સાયબર ઠગાઈના કેસ સતત વધી રહ્યા છે, અને ઠગો નવી-નવી ટેક્નિક અપનાવી લોકોને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં સુરત સાયબર ક્રાઈમ સેલે મોટી કાર્યવાહી કરીને જામતારા ગેંગ સાથે જોડાયેલા ગુજરાતના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક સિવિલ એન્જિનિયરનો પણ સમાવેશ થાય છે. આ ગેંગ વોટ્સએપ મારફતે નકલી RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કરીને લોકોના બેંક ખાતામાંથી નાણાં ઉપાડતી હતી.
પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી 227 જેટલા ક્રેડિટ કાર્ડ અને આશરે 92.53 લાખ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની વિગતો મળી આવી છે. આ ટોળકી જામતારા ગેંગ દ્વારા ચોરી કરાયેલા પૈસાને 10 ટકા કમિશન લઈ સફેદ કરવાના કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું ખુલ્યું છે.
APK ફાઇલથી મોબાઈલ થયો હેક
આ સમગ્ર કેસની શરૂઆત 20 નવેમ્બર 2025ના રોજ થઈ હતી. ફરિયાદીના દીકરાના મિત્રને અજાણ્યા નંબર પરથી ‘Digital RTO E-Challan.APK’ નામની ફાઇલ વોટ્સએપ પર મળી હતી. ફાઇલ ડાઉનલોડ કરતા જ મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ હેકર્સે તે જ ફાઇલ વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલી હતી. ફરિયાદીના દીકરાએ ફાઇલ ખોલતાં જ તેનો ફોન હેક થયો અને તેના બેંક ખાતામાંથી ટુકડાવાર કુલ 5,02,562 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.

રાજકોટ અને જામતારાના આરોપીઓ ઝડપાયા
છેતરપિંડીની ખબર પડતાં જ ફરિયાદીએ તરત 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી. ત્યારબાદ 14 ડિસેમ્બર 2025ના રોજ સુરત સાયબર ક્રાઈમ સેલમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ. ટેકનિકલ સર્વેલન્સ અને બેંકિંગ ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ હાથ ધરવામાં આવી, જેમાં સૌપ્રથમ રાજકોટના નિશીત નથવાણી અને ઝારખંડના જામતારાના ગૌતમ મંડલને ઝડપી લેવામાં આવ્યા હતા.
જામતારા ગેંગનું સુરત (Surat) સાથેનું નેટવર્ક
તપાસ દરમિયાન ખુલ્યું કે જામતારામાં બેઠેલા મુખ્ય ઠગો સુરતમાં પોતાના એજન્ટો મારફતે કામ ચલાવતા હતા. આ એજન્ટો ફ્રોડના પૈસા ઠેકાણે પાડવા માટે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટના ધંધાનો ઉપયોગ કરતા હતા. ચોરી કરેલા પૈસા ક્રેડિટ કાર્ડ બિલ ભરવામાં વપરાતા અને બાદમાં રોકડ અથવા CDM મશીન દ્વારા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવામાં આવતા હતા.
આ પણ વાંચો:રાજુ કરપડાના રાજીનામા બાદ ‘આપ’માં ભંગાણ? પ્રતાપ દુધાતે ઈશુદાન ગઢવી અંગે કર્યો મોટો દાવો
આ પણ વાંચો:ગરવી ગુર્જરીની પ્રોત્સાહક પહેલે કલા-કારીગરોને આપ્યો ગૌરવમય મંચ
