ખેડૂત નેતા રાજુ કરપડાના રાજીનામાને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આમ આદમી પાર્ટી પર કરકસરભરી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે રાજુ કરપડાને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે, તેવી જ સ્થિતિ આવનારા સમયમાં ઈશુદાન ગઢવી માટે પણ ઊભી થઈ શકે છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતા ઈશુદાન ગઢવી પણ રાજકીય ભોગ બનશે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતનું મોટું નિવેદન
સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સુરત ખાતે પોતાના નિવાસસ્થાનેથી આપ નેતાઓને લઈ મોટું નિવેદન આપ્યું. તેમણે દાવો કર્યો કે રાજુ કરપડાના રાજીનામા બાદ હવે આમ આદમી પાર્ટીમાં વધુ રાજકીય ઉથલપાથલ સર્જાઈ શકે છે અને ઈશુદાન ગઢવી પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પ્રતાપ દુધાતે ગોપાલ ઈટાલિયા પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે તેઓ “ઝાડુ મારીને” ભાજપમાં જોડાઈ શકે છે. આપના ટોચના નેતાઓ પક્ષ છોડીને જશે એવા દાવાથી ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. તેમના આ નિવેદનને રાજ્યમાં આગામી મોટા રાજકીય ફેરફારના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
આંબલીયા રાજુ કરપડાની ઓફિસે પહોંચ્યા
ખેડૂત આગેવાન રાજુ કરપડાના રાજીનામા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરવા પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલીયા રાજુ કરપડાની ઓફિસે પહોંચ્યા હતા, જોકે તેમણે આ મુલાકાતને પારિવારિક હોવાનું કહી રાજકીય ચર્ચાઓ પર બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો.
રાજુ કરપડા (Raju Karpatda) કોંગ્રેસમાં જોડાશે?
રાજુ કરપડા (Raju Karpatda) અગાઉ કોંગ્રેસમાં લાંબા સમય સુધી સક્રિય રહ્યા હતા અને બાદમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હવે રાજીનામું આપ્યા બાદ તેઓ ફરી કોંગ્રેસમાં જોડાશે કે અન્ય કોઈ પક્ષ પસંદ કરશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. પાલ આંબલીયાની મુલાકાત બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં રાજુ કરપડાની આગામી રાજકીય વ્યૂહરચના અંગે તર્ક-વિતર્ક શરૂ થયો છે.
આ પણ વાંચો:ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ₹509 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત–લોકાર્પણ કરતા હર્ષ સંઘવી
આ પણ વાંચો:સુરતના પોશ સિટી લાઇટ વિસ્તારમાં ભીષણ આગ, કચરાના ઢગલામાં લાગેલી આગ વિકરાળ બની
આ પણ વાંચો:ભાવનગરમાં રત્નકલાકારોના બાળકોને શૈક્ષણિક સહાય વિતરણ
