Bhavnagar News : ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ, આધુનિકીકરણ તથા આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. 509.23 કરોડના વિવિધ વિકાસ કામો, (Development Works) જેમાં રૂ. 140.83 કરોડના ખર્ચે 35 વિકાસ કામો(Development Works)ના ખાતમુહૂર્ત તથા રૂ. 368.40 કરોડના ખર્ચે 1 વિકાસ કાર્ય(Development Works)નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીમાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી PM e-Bus Sewa યોજના હેઠળ ભાવનગર શહેરમાં શહેરી પરિવહન વ્યવસ્થાને સુદ્રઢ, સ્માર્ટ અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે 50 ઈલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અધેવાડા ખાતે બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે અત્યાધુનિક ડેપોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ યોજનાના ફેઝ-2અંતર્ગત ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરનાર ભાવનગર મહાનગરપાલિકા ગુજરાતનું સૌપ્રથમ શહેર બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી રહ્યું છે. શહેરને મળેલ નવી બસો ભાવનગરની લાઇફલાઇન બનશે.
નાયબ મુખ્યમંત્રીએ ભાવનગરના નાગરિકો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આભાર વ્યક્તકર્તા વધુમાં જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં એ.સી.બસો નાગરિકોને શીતળતા આપશે તેમજ તકલીફ પાડવા દેશે નહીં. 10,000 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુ વાઘાણી અભિનંદન પાઠવ્યા હતા. યુ.એસ. સાથે સફળ ટ્રેડડીલ થવાથી હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગને સીધો ફાયદો થવાનો છે. બસોને તથા ભાવનગરને સ્વરછ રાખવા તેમજ દીકરીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે તેઓ સંકલ્પ કરવા જણાવ્યું હતું.
વિકાસના કામો (Development Works) થી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે
આ તકે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે, નવી બસ સેવા શરૂ થવાથી સામાન્ય નાગરિકોને દૈનિક મુસાફરીમાં વધુ સુવિધા અને સરળતા મળશે. જાહેર પરિવહન સુવ્યવસ્થિત બનવાથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ રજૂ થયેલું બજેટ ‘વિકસિત ભારત 2047’ ના માર્ગ પર દેશને આગળ ધપાવતું વિઝનરી બજેટ છે. “સૌનો સાથ, સૌનો વિકાસ”ના મંત્ર સાથે દરેક વર્ગને સ્પર્શતું અને સામાન્ય નાગરિકને મુખ્ય પ્રવાહમાં લાવવાનું આદર્શ બજેટ રજૂ થયું છે. ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનો રોલ મોડલ બની રહ્યું છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને રાજ્યમાં વિકાસના નવા આયામો (Development Works)સર કરવા બદલ તેમણે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી એ જણાવ્યું હતું કે PM e-Bus Sewa યોજના હેઠળ રૂ. 18.24કરોડના ખર્ચે સિવિલ તથા ઈલેક્ટ્રિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે તેમજ અંદાજિત રૂ. 350 કરોડનો ખર્ચ (12 વર્ષ માટે 50 બસોના સંચાલન અને મેન્ટેનન્સ માટે) થશે. કેન્દ્ર સરકારશ્રી તરફથી 12 વર્ષ દરમિયાન રૂ. 103 કરોડની ગ્રાન્ટ મળશે. વધુમાં જણાવ્યું હતું કે બસ ભાડાના દર નાગરિકોને પોસાય તેવા રાહતદરે નક્કી કરાયા છે. જેમાં 5કિ.મી. સુધીના ₹ 10/- ના નજીવા દરે મુસાફરી કરી શકશે. વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી ભાવનગરમાં આધુનિક ઈ-બસ સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ભાવનગર સહિતના આસપાસના ગામડાઓને આવરી લેશે એ મુજબ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે ઉર્જા રાજ્યમંત્રી અને ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા એ જણાવ્યું હતું કે નવી ઈ બસો શરૂ થવાથી કુલ 17 રૂટ દ્વારા શહેરના આંતરિક વિસ્તાર (9 અર્બન રૂટ) તથા આસપાસના 15 કિ.મી. સુધીના ગ્રામ્ય વિસ્તાર (8 સબ-અર્બન રૂટ)ને જોડશે. શરૂઆતમાં 50 ઈલેક્ટ્રિક બસો સાથે 8 રૂટ પર સીટી બસ સેવા શરૂ થશે.
આ યોજનાથી આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને મજૂરોને શહેરમાં આવવા-જવા માટે સસ્તી અને સુરક્ષિત પરિવહન સુવિધા મળશે. અંદાજે 3000થી વધુ નાગરિકો દરરોજ આ સેવાનો લાભ લેશે.
આ ઇકો-ફ્રેન્ડલી પરિવહન સેવા દ્વારા શહેરમાં પ્રદૂષણમાં ઘટાડો થશે, હવાની ગુણવત્તા સુધરશે તેમજ ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) હાંસલ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
પી.એમ. ઈ બસ સેવા અંતર્ગત લોગો કોમ્પિટિશનના વિજેતાને ચેક વિતરણ તથા ભાગ લેનારાઓને અને પ્રોત્સાહક ઇનામ વિતરણ કરાયા હતા.
આ તકે મેયર ભરત બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ધારાસભ્ય સેજલબેન પંડયા, શિવાભાઈ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
