Brahmaputra River Underwater Tunnel: ભારત સરકારની આર્થિક બાબતોની કેબિનેટે એક ઐતિહાસિક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આસામમાં બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં ભારતની પ્રથમ અને વિશ્વની બીજી ‘અંડરવોટર રોડ-કમ-રેલ ટનલ’ તૈયાર કરવામાં આવશે. આ મેગા પ્રોજેક્ટ માત્ર મુસાફરી સરળ નહીં બનાવે, પરંતુ ઉત્તર-પૂર્વ ભારતના વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
Brahmaputra River: પ્રોજેક્ટની મુખ્ય વિગતો
આ ટનલ આસામના ગોહપુરથી નુમાલીગઢ વચ્ચે તૈયાર કરવામાં આવશે, જેની મુખ્ય વિશેષતા એ છે કે તે નદીના પેટાળમાં 15.79 કિલોમીટરની લંબાઈ ધરાવતી હશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ અંદાજે 18,662 કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરવામાં આવશે. ગ્રીનફીલ્ડ કનેક્ટિવિટી હેઠળ તૈયાર થનારા આ પ્રોજેક્ટમાં NH-15 અને NH-715ને જોડતા સેક્શનમાં ચાર લેનવાળી આધુનિક રોડ સુવિધાની સાથે રેલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

6 કલાકની મુસાફરી મિનિટોમાં થશે પૂરી
વર્તમાન સમયમાં નુમાલીગઢ અને ગોહપુર વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે, જે કાપતા 6 કલાકથી વધુનો સમય લાગે છે. મુસાફરોએ કાજીરંગા નેશનલ પાર્ક જેવા વિસ્તારોમાંથી પસાર થવું પડે છે. આ અંડરવોટર ટનલ તૈયાર થયા બાદ આ અંતર અને સમયમાં ધરખમ ઘટાડો થશે, જેનાથી ઈંધણ અને સમય બંનેની બચત થશે.
સામરિક અને આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ
આ ટનલ માત્ર આસામ જ નહીં પરંતુ અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ સહિતના સમગ્ર પૂર્વોત્તર રાજ્યો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટ દ્વારા બે મહત્વના નેશનલ હાઈવે અને બે મુખ્ય રેલવે લાઈનોનું સીધું જોડાણ થવાથી કનેક્ટિવિટીમાં મોટો સુધારો આવશે. આ ઉપરાંત, આ રૂટમાં 11 ઇકોનોમિક ઝોન, 8 લોજિસ્ટિક હબ અને અનેક પ્રવાસન સ્થળોનો સમાવેશ થતો હોવાથી પ્રદેશનો આર્થિક વિકાસ ઝડપી બનશે. આટલા મોટા પાયે થઈ રહેલા બાંધકામ અને ભવિષ્યમાં વિકસનારા લોજિસ્ટિક હબને કારણે હજારો સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પણ પ્રાપ્ત થશે.
એરપોર્ટ અને રેલવે સાથે જોડાણ
આ પ્રોજેક્ટથી ચાર મોટા રેલવે સ્ટેશનો, બે એરપોર્ટ અને બે ઇનલેન્ડ વોટર-વેને શાનદાર કનેક્ટિવિટી મળશે. આસામ (Assam) માટે આ ટનલ આવકનું નવું સ્ત્રોત બનશે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં મોટો ઘટાડો થશે.
આ પણ વાંચો: શું હોય છે અંડરવોટર ડ્રોન ? ફ્રાન્સ તરફથી મળેલી ભેટ ભારતના દુશ્મનોને પાણીમાં પણ જડબાતોડ જવાબ આપશે
આ પણ વાંચો: PM મોદી આજે કોલકાતામાં દેશના પ્રથમ અંડરવોટર મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન કરશે
આ પણ વાંચો: ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર: ખરીદ્યા અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’
