Jamnagar News/ જામનગરમાં રીવાબાએ કોન્ટ્રાક્ટરને આપી સુચના, કામકાજમાં નહીં ચાલે બાંધછોડ, સિક્સ લેન રોડનું કર્યું ખાતમુહૂર્ત

જામનગર (jamnagar) શહેરમાં ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે શહેરનો પ્રથમ સિક્સ લેન રોડ બનાવવાનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ થયો છે. રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ આ રોડ ઓશવાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધી રૂ. 15.02 કરોડના ખર્ચે બનશે. મંત્રી જાડેજાએ કામની ગુણવત્તા અને સમયમર્યાદા અંગે કોન્ટ્રાક્ટરને કડક સૂચનાઓ આપી, સમયસર અને મજબૂત બાંધકામ પર ભાર મૂક્યો છે.

Gujarat Top Stories Others
Jamnagar six lane road

જામનગર (Jamnagar ) શહેરમાં પ્રથમ વખત સિક્સ લેન રોડનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રી રિવાબા જાડેજાએ કોન્ટ્રાક્ટરને કામની ગુણવત્તા અને સમયમર્યાદા અંગે કડક સૂચનાઓ આપી હતી. તેમણે એક અઠવાડિયામાં કામ શરૂ કરી એક વર્ષની અંદર પૂર્ણ કરવાની ખાતરી કોન્ટ્રાક્ટર પાસેથી લીધી હતી.

આ સિક્સ લેન રોડ ઓશવાળ સેન્ટર (પાયલોટ બંગલો)થી દિગ્જામ સર્કલ સુધી રૂ. 15.02 કરોડના ખર્ચે બનશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખોડીયાર કોલોની વિસ્તારમાં ભારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવાનો છે.

કામકાજમાં કોઈ સમાધાન નહીં ચાલે

ખાતમુહૂર્ત દરમિયાન મંત્રી જાડેજાએ હાજર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ કહ્યું હતું કે, રોડના બાંધકામમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સહન કરવામાં નહીં આવે. જ્યારે કોન્ટ્રાક્ટરે ટૂંક સમયમાં કામ શરૂ કરવાની વાત કરી, ત્યારે રિવાબા જાડેજાએ હાસ્યસભર અંદાજમાં સમયમર્યાદા સ્પષ્ટ કરવા કહ્યું હતું.

Jamnagar six lane road
Jamnagar six lane road

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આપી સુચના

મંત્રી જાડેજાએ જણાવ્યું કે, શહેરના વિકાસ માટે મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યારે કામ ઝડપી ગતિએ અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂરું થવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રોડ બાંધકામમાં ગુણવત્તા જાળવવા અંગે કડક સૂચનાઓ આપી છે, ખાસ કરીને ચોમાસા દરમિયાન રોડની સ્થિતિને ધ્યાનમાં રાખીને મજબૂત બાંધકામ પર ભાર મૂકવામાં આવ્યો છે.

જામનગરમાં (Jamnagar) વધતા ટ્રાફિકને લઈને નિર્ણય

મીડિયા સાથે વાત કરતા મંત્રી જાડેજાએ કહ્યું કે, ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા અને શહેરના વધતા વિસ્તારને ધ્યાનમાં રાખીને આ સિક્સ લેન રોડ બનાવવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે, સાતથી આઠ મહિનામાં કામ પૂર્ણ કરીને રોડ જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કૃષ્ણા સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બીના કોઠારી સહિત નગરસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા

પ્રોજેક્ટ અંતર્ગત હાલના ફોરલેન રોડની પહોળાઈ બંને બાજુ 7.50 મીટરથી વધારીને 11.50 મીટર કરવામાં આવશે. નવા સિક્સ લેન રોડથી ભારે, મધ્યમ અને નાના વાહનો માટે અલગ લેન ઉપલબ્ધ થશે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે.


આ પણ વાંચો:સુરતના પોશ સિટી લાઇટ વિસ્તારમાં ભીષણ આગ, કચરાના ઢગલામાં લાગેલી આગ વિકરાળ બની

આ પણ વાંચો:ઘરના જ ભેદુએ લંકા ઢાળી! લગ્નમાં ગયેલા પરિવારનું ઘર સાફ કરનાર શખ્સ હવે પોલીસના સકંજામાં

આ પણ વાંચો:રાજુ કરપડાના રાજીનામા બાદ ‘આપ’માં ભંગાણ? પ્રતાપ દુધાતે ઈશુદાન ગઢવી અંગે કર્યો મોટો દાવો