Ahmedabad News/ સિંગરવામાં ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ફસાવીશું’ કહી નિવૃત્ત પ્રોફેસરને ડરાવ્યા, ₹16.18 લાખ પડાવ્યા

Digital Arrest: અમદાવાદના સિંગરવામાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત પ્રોફેસરને ATS અને પોલીસ અધિકારી બની સાયબર ગઠિયાઓએ ડરાવ્યા હતા. ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને ગેરકાયદે ટ્રાન્ઝેક્શનના કેસમાં ફસાવવાની ધમકી આપી ₹16.18 લાખ ટ્રાન્સફર કરાવી લીધા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Digital Arrest: પોલીસ અને ATS અધિકારી બની વૃદ્ધ પાસેથી ₹16.18 લાખ પડાવ્યા

Ahmedabad News: અમદાવાદ શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિંગરવામાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત પ્રોફેસરને સાયબર ગઠિયાઓએ પોલીસ અને ATS અધિકારી હોવાની ઓળખ આપી ડિજિટલ અરેસ્ટ (Digital Arrest)ના નામે ડરાવ્યા હતા. તેમના આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થયો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ચાઈલ્ડ પોર્નોગ્રાફી (Child pornography), ગેરકાયદે ગેમ્બલિંગ અને કરોડો રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સાથે નામ જોડાયેલું હોવાનું કહી ધરપકડની ધમકી આપવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનામાં ગઠિયાઓએ વીડિયો કોલ મારફતે સતત ‘તપાસ’ના નામે વૃદ્ધ પર નજર રાખી હતી અને બેન્ક ખાતામાંથી કુલ ₹16,18,300 અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં બનાવટી દસ્તાવેજો મોકલી સંપર્ક તોડી નાખતાં વૃદ્ધને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું. ત્યારબાદ તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Digital Arrest: અજાણ્યા ફોનથી શરૂ થયો આખો ખેલ

ફરિયાદ મુજબ, 29 ઓગસ્ટે નિવૃત્ત પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ચિરાગ રાવત તરીકે આપી હતી અને પોતે બનારસ પોલીસ હેડ ઓફિસનો અધિકારી હોવાનું જણાવ્યું હતું. ફોન કરનારે વૃદ્ધના આધારકાર્ડ સાથે મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હોવાનું કહ્યું હતું. આ નંબરનો ઉપયોગ કરીને બેન્કમાં ખાતું ખોલાવવામાં આવ્યું હોવાનો અને તે ખાતામાંથી કરોડો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારો થયા હોવાનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત વૃદ્ધને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને ગેરકાયદે ગેમ્બલિંગ જેવી પ્રવૃત્તિઓમાં તેમનું નામ સંડોવાયેલું હોવાનું કહીને ગંભીર ગુનો નોંધાયો હોવાની વાત કરવામાં આવી હતી.

Digital Arrest: ATS અધિકારી બની વીડિયો કોલ કર્યો

પ્રથમ ફોન બાદ પ્રેમ ગૌતમ નામના વ્યક્તિએ વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો. પોલીસ યુનિફોર્મમાં રહેલા આ વ્યક્તિએ પોતે ATSનો પોલીસ ઈન્સ્પેક્ટર હોવાનું જણાવ્યું હતું. ગઠિયાએ વૃદ્ધને કહ્યું હતું કે કેસની ગંભીરતાને કારણે તેમની ધરપકડ થઈ શકે છે. જોકે ઉંમર વધારે હોવાથી તેમને પોલીસ સ્ટેશન બોલાવવાને બદલે વીડિયો કોલ મારફતે ઘરે બેઠા ‘ઈન્વેસ્ટિગેશન’ કરાવી શકાય તેમ હોવાનું કહી વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન વૃદ્ધને આ સમગ્ર બાબત કોઈ પરિવારજનો કે અન્ય વ્યક્તિને ન જણાવવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ વોટ્સએપ કોલ અને વીડિયો કોલ દ્વારા સતત સંપર્કમાં રહી ગઠિયાઓ વૃદ્ધ પર નજર રાખતા હતા.

Digital Arrest: બેન્ક સ્ટેટમેન્ટ અને ખાતાની વિગતો માંગી

ગઠિયાઓએ 31 ઓગસ્ટે ‘તપાસ’ના નામે નિવૃત્ત પ્રોફેસર પાસેથી અલગ-અલગ બેન્ક ખાતાની વિગતો તેમજ બેન્ક સ્ટેટમેન્ટ મંગાવ્યા હતા. ત્યારબાદ ગઠિયાઓએ આગળનું પગલું ભર્યું અને વૃદ્ધને તેમના ખાતામાં રહેલી રકમની ‘રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ચકાસણી’ કરવાની હોવાનું જણાવ્યું હતું. વૃદ્ધને એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ પ્રક્રિયા તપાસનો એક ભાગ છે અને તપાસ પૂર્ણ થયા બાદ તેમની રકમ પરત મળી જશે.

Digital Arrest: બે દિવસમાં ₹16.18 લાખ ટ્રાન્સફર

ગઠિયાઓની વાતમાં આવી ગયેલા વૃદ્ધે 1 સપ્ટેમ્બરે ₹11,03,000 RTGS મારફતે ગઠિયાઓ દ્વારા આપવામાં આવેલા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે વધુ ₹5,15,300 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ રીતે કુલ ₹16,18,300 રકમ વૃદ્ધ પાસેથી પડાવી લેવામાં આવી હતી. રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ ગઠિયાઓએ વિશ્વાસ જળવાઈ રહે તે માટે RBIના નામે બનાવટી રસીદ પણ વોટ્સએપ પર મોકલી હતી.

Digital Arrest: તપાસ ચાલુ હોવાનું કહી વીડિયો કોલ કરતા રહ્યા

પૈસા ટ્રાન્સફર થયા પછી પણ ગઠિયાઓએ તરત સંપર્ક તોડ્યો નહોતો. તેઓ સતત વોટ્સએપ કોલ કરીને ‘ઈન્વેસ્ટિગેશન’ ચાલી રહ્યું હોવાનું કહેતા રહ્યા હતા. 5 સપ્ટેમ્બરે અન્ય એક વોટ્સએપ નંબર પરથી પણ પ્રેમ ગૌતમના નામે વૃદ્ધને કોલ આવ્યો હતો. આ રીતે ગઠિયાઓએ થોડા દિવસ સુધી તપાસ ચાલી રહી હોવાનો ભાસ ઊભો રાખ્યો હતો.

Digital Arrest: NIAના નામે બનાવટી NOC મોકલી

આ સમગ્ર ઘટનામાં ગઠિયાઓએ અંતિમ તબક્કે વધુ એક નકલી દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો. 9 સપ્ટેમ્બરે તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાનું કહી વૃદ્ધને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના નામે બનાવટી NOC મોકલવામાં આવી હતી. ત્યારબાદ વૃદ્ધે ગઠિયાઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ નંબરો પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કોઈ જવાબ ન મળતાં તેમને શંકા ગઈ હતી.

અંતે પોતાની સાથે સાયબર ફ્રોડ થયો હોવાનું સ્પષ્ટ થતાં વૃદ્ધે પત્ની અને પુત્રને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Digital Arrestના નામે સાયબર ઠગાઈનો વધુ એક કિસ્સો

આ ઘટનામાં ઠગોએ પોલીસ, ATS અને તપાસ એજન્સીઓના નામનો ઉપયોગ કરીને વૃદ્ધમાં કાયદાકીય કાર્યવાહી અને ધરપકડનો ભય ઊભો કર્યો હતો. વીડિયો કોલ દ્વારા સતત સંપર્કમાં રહી તેમને બહારની દુનિયાથી અલગ રાખવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તપાસના નામે મોટી રકમ ટ્રાન્સફર કરાવી હતી.

હવે પોલીસ દ્વારા ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ગઠિયાઓએ કયા બેન્ક ખાતાઓનો ઉપયોગ કર્યો, મોબાઇલ નંબરો અને બનાવટી દસ્તાવેજો ક્યાંથી તૈયાર થયા તથા આ ટોળકી સાથે અન્ય લોકો સંકળાયેલા છે કે નહીં તે સહિતના મુદ્દે તપાસ આગળ વધારવામાં આવશે.


આ પણ વાંચો:અમદાવાદમાં 75 વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસર ‘Digital Arrest’નો શિકાર, 17 દિવસમાં રૂ.54.60 લાખ પડાવ્યા

આ પણ વાંચો:અમદાવાદમાં ‘Digital Arrest’ની ઠગાઈ: 84 વર્ષીય વડીલને 42 લાખનો ચૂનો, 1.5 કરોડ બચ્યા

આ પણ વાંચો:રાજસ્થાનમાં અકસ્માતની આડમાં હત્યા, 24 વર્ષ બાદ વોન્ટેડ આરોપીની ક્રાઈબ બ્રાન્ચે અમદાવાદમાંથી કરી ધરપકડ