Digital Arrest Scam: અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં રહેતી 75 વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસર સાયબર ઠગાઈનો ભોગ બની છે. સાયબર ઠગોએ પોતાને TRAIના અધિકારી તરીકે ઓળખાવી મહિલાને ગેરકાયદે પ્રવૃત્તિ અને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ત્યારબાદ 17 દિવસ સુધી વીડિયો કોલ અને ફોન દ્વારા ડરાવી-ધમકાવીને કુલ રૂ.54.60 લાખ પડાવી લીધા હતા. આ મામલે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
TRAIના અધિકારી બનીને કર્યો ફોન
મળતી માહિતી મુજબ, 3 ઓગસ્ટે સાયબર ઠગોએ TRAIના નામે નિવૃત્ત પ્રોફેસરને ફોન કર્યો હતો. બે દિવસ બાદ ફરી સંપર્ક કરીને મહિલાને જણાવાયું કે, મુંબઈની એક દુકાનમાંથી તેમના નામે લેવામાં આવેલા સીમકાર્ડનો ઉપયોગ કરીને અશ્લીલ ફોટા અને વીડિયો મોકલવામાં આવ્યા છે. ઠગોએ વધુમાં દાવો કર્યો હતો કે, આ નંબર સામે 25 જેટલી પોલીસ ફરિયાદો નોંધાઈ છે.
મહિલાએ સીમકાર્ડ પોતે ખરીદ્યું ન હોવાનું જણાવતાં ઠગોએ વીડિયો કોલ દરમિયાન એક આધારકાર્ડ બતાવ્યું હતું. તેમાં મહિલાના આધારકાર્ડનો જ નંબર દર્શાવવામાં આવ્યો હતો. આથી મહિલા વધુ ગભરાઈ ગઈ હતી.
‘NOC’ના નામે કરાવી અરજી
ઠગોએ મહિલાને જણાવ્યું કે જો તે ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ ન હોય તો તેને NOC લેવી પડશે. ત્યારબાદ વીડિયો કોલ ચાલુ રાખીને મહિલાની પાસે અરજી પણ લખાવી લેવામાં આવી હતી.
આ ઘટનાના ચાર દિવસ બાદ ફરી વીડિયો કોલ આવ્યો હતો. આ વખતે ઠગોએ સ્ક્રીન બંધ રાખીને વાત કરી હતી. તેમણે મહિલાને કહ્યું કે જો તે અશ્લીલ વીડિયોવાળા કેસમાં સામેલ ન હોય તો પણ તે નરેશ ગોયલ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ફસાઈ શકે છે.
ઠગોએ નરેશ ગોયલ કેસની વિગતો જણાવીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ તેના મોબાઇલ નંબરનો ઉપયોગ કથિત કૌભાંડમાં થયો હોવાનું કહીને વિવિધ દસ્તાવેજો બતાવ્યા હતા અને મહિલાની પાસે શપથપત્ર પણ લખાવી લીધું હતું.
‘ગુડ મોર્નિંગ-ગુડ નાઇટ’ના મેસેજ પણ કરાવતા
સાયબર ઠગોએ મહિલાને સતત તેમના સંપર્કમાં રાખી હતી. તેઓ મહિલાને દરરોજ ‘ગુડ મોર્નિંગ’ અને ‘ગુડ નાઇટ’ના મેસેજ કરવા માટે પણ ફરજ પાડતા હતા. આ રીતે લગભગ 17 દિવસ સુધી મહિલાને માનસિક રીતે ડરાવી રાખવામાં આવી હતી.
જોકે, એક દિવસ ઠગોએ કોઈ જવાબ ન આપતાં મહિલાને સમગ્ર મામલે શંકા ગઈ હતી. બાદમાં તેમના ફોનમાંથી વોટ્સએપનો ડેટા પણ ડિલિટ થઈ ગયો હતો.
સાયબર હેલ્પલાઇનમાં કરી જાણ
સમગ્ર ઘટનાથી શંકા જતા મહિલાએ સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો અને પોતાની સાથે રૂ.54.60 લાખની સાયબર છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બોપલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને સાયબર ઠગો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વડોદરાના ભાયલીમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ઠગાઈનો ભાંડો ફૂટ્યો,ઇન્ડસઇન્ડ બેંકની સતર્કતાથી 16 લાખ બચ્યા
આ પણ વાંચો: ડિજિટલ અરેસ્ટના બહાને મહિલા સાથે ₹55 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: સુરતમાં NRI વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા, 64 લાખ રૂપિયા પડાવતાં ફરિયાદ નોંધાવી
