Ahmedabad News : અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ અરેસ્ટ (Digital Arrest)ના નામે સિનિયર સિટિઝન મહિલાને ડરાવી-ધમકાવી લાખો રૂપિયાની છેતરપિંડી (Woman Cheated)કરનાર આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને હરિયાણામાંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પોતાને મુંબઈ પોલીસ અને સરકારી અધિકારી તરીકે ઓળખાવી મહિલાને ફસાવી હતી.
પોલીસ માહિતી મુજબ, આરોપીઓએ મહિલાને વીડિયો કોલ કરીને જણાવ્યું હતું કે તેમના નામે ફ્રોડ કેસ નોંધાયો છે અને તેમની ધરપકડ માટે વોરંટ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ મહિલાને “ડિજિટલ અરેસ્ટ” (Digital Arrest)હેઠળ હોવાનો ભય બતાવી સતત નજર હેઠળ રાખવામાં આવી હતી.
ઠગોએ મહિલાને Ministry of Finance અને કોર્ટના નામે નકલી દસ્તાવેજો મોકલી વિશ્વાસમાં લીધી હતી. આરોપીઓએ મહિલાને તેમની બેંક વિગતો આપવા તેમજ નાણાં ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત ગોલ્ડ લોન લેવડાવી કુલ ₹55.50 લાખથી વધુ રકમ અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી.
તપાસ દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમે હરિયાણા અને દિલ્હી સુધી તપાસ ચલાવી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ગુરુગ્રામનો સોનુકુમાર અને દિલ્હીના કપાસહેડા વિસ્તારનો પ્રદીપકુમાર સામેલ છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ બેંક ખાતા અને ફેક કંપનીઓ મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આરોપીઓના ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાં સાતથી વધુ સાયબર ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓ સાયબર ફ્રોડ (Cyber Fraud)ના નેટવર્ક સાથે જોડાયેલા હતા અને હોટલમાં રહીને બેંક ખાતાઓ મારફતે ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન ચલાવતા હતા. આરોપીઓએ અન્ય સાગરિતોની મદદથી લોકોમાં ડર ફેલાવી પૈસા પડાવવાની ગેંગ બનાવી હતી.
સાયબર ક્રાઇમ બ્રાન્ચની મહત્વપૂર્ણ સલાહ
- કોઈ પણ પોલીસ કે તપાસ એજન્સી વીડિયો કોલ દ્વારા ધરપકડ કરતી નથી.
- OTP, બેંક વિગતો અથવા સ્ક્રીન શેરિંગ ક્યારેય અજાણ્યા વ્યક્તિ સાથે ન કરો.
- AnyDesk, TeamViewer જેવી એપ ડાઉનલોડ કરવા કહે તો તરત સાવચેત થઈ જવું.
- કોર્ટ, પોલીસ અથવા સરકારી વિભાગના નામે આવતી ધમકીભરી કોલની સત્યતા ચકાસ્યા વગર પૈસા ટ્રાન્સફર ન કરવા.
- શંકાસ્પદ સાયબર પ્રવૃત્તિ જણાય તો તરત 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી
આ પણ વાંચો : વડોદરાના ભાયલીમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ઠગાઈનો ભાંડો ફૂટ્યો,ઇન્ડસઇન્ડ બેંકની સતર્કતાથી 16 લાખ બચ્યા
-
આ પણ વાંચો :ડિજિટલ અરેસ્ટના નામે ₹7.12 કરોડની ઠગાઈ, ચાઇનીઝ ગેંગનો પર્દાફાશ
-
આ પણ વાંચો : ડિજિટલ અરેસ્ટ ફ્રોડ : પોલીસની સતર્કતાથી વૃદ્ધ મહિલાના ₹27 લાખ બચાવાયા
