Surat News/ સુરત અને વડોદરામાં ગરમીથી 2 ના મોત, હોસ્પિટલો એલર્ટ મોડ પર

Gujarat Heatwave Death: ગુજરાતમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી. સુરતના સચિન જીઆઈડીસીમાં બિહારના શ્રમિકનું હીટસ્ટ્રોકથી અને વડોદરામાં વૃદ્ધાનું ગભરામણથી કરુણ મોત. રાજ્યમાં 4 દિવસમાં બીમારીના 402 કેસ.

Top Stories Gujarat Surat Vadodara
Gujarat Heatwave Death News

Gujarat Heatwave Death News: આખું ગુજરાત અત્યારે આકાશમાંથી વરસતા અગનગોળા અને કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે. વધતા તાપમાન અને હીટવેવના કારણે હવે લોકોના જીવ જવા લાગ્યા છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી ગરમીએ માઝા મૂકી છે. ત્યારે સુરત અને વડોદરામાંથી હીટસ્ટ્રોક અને ગભરામણને કારણે બે લોકોના કરુણ મોત નીપજ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ગરમીને લગતી બીમારીઓના કેસોમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે.

Heatwave : સુરતમાં 28 વર્ષીય યુવકે તોડ્યો દમ

સુરતમાં 11 મે નો દિવસ આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો, જ્યાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 6.8 ડિગ્રી વધીને 42.2 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું હતું. આ અસહ્ય ગરમીએ એક આશાસ્પદ યુવાનનો ભોગ લીધો છે.

શું હતી ઘટના?

મૂળ બિહારના ગોપાલનગરનો વતની 28 વર્ષીય અનુજકુમાર રોજગારી માટે સુરત આવ્યો હતો. મંગળવારે બપોરે તે સચિન જીઆઈડીસીના પાલીગામ વિસ્તારમાં એક સુમસામ રોડ પર રિપેરિંગ મશીન ચલાવવાનું કામ કરી રહ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક તેને ચક્કર આવ્યા અને તે પોતાના ભાઈ કુંદન કુમારની નજર સામે જ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો.

પરિવાર નોંધારો બન્યો

અનુજને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કારણે હૃદય પર દબાણ આવવાથી તેનું મોત થયું હોવાની શક્યતા છે. પરિવારનો કમાઉ દીકરો આ રીતે અકાળે મોતને ભેટતા તેના વતનમાં રહેતા માતા-પિતા, પત્ની અને બાળકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

વડોદરામાં 74 વર્ષીય વૃદ્ધાનું  મોત

અસહ્ય ગરમીની અસર ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પર વધુ જોવા મળી રહી છે. વડોદરાના આજવા રોડ પર રહેતા 74 વર્ષીય કમુબેન પરમારને ઘરમાં જ અચાનક ભારે ગભરામણ થવા લાગી હતી. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી (SSG) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ ગરમીના પ્રકોપના કારણે તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

Gujarat Heatwave Death News

રાજ્યમાં બીમારીના આંકડા ચિંતાજનક

108 ઇમરજન્સી સેવાના આંકડા મુજબ, છેલ્લા ચાર જ દિવસમાં આખા ગુજરાતમાં હીટ ઈલનેસ, ભારે તાવ, ઝાડા-ઉલટી અને પેટના દુખાવાના કુલ 402 કેસ નોંધાયા છે.

માત્ર 4 દિવસમાં હીટ ઈલનેસ (લૂ લાગવી) ના 32 કેસ આવ્યા છે, જેમાં સૌથી વધુ સુરત અને ખેડામાં કેસો નોંધાયા છે. અમદાવાદમાં પણ ગરમીના કારણે ભારે તાવના 75 જેટલા કેસો સામે આવ્યા છે.

Gujarat Heatwave Death News

હોસ્પિટલો એલર્ટ મોડ પર, ક્યાં કેટલી તૈયારી?

હીટવેવની ગંભીરતાને જોતા રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. સુરત સિવિલમાં 10 બેડનો ખાસ અલાયદો રૂમ તૈયાર કરાયો છે, જ્યાં વેન્ટિલેટર અને નવા કુલર સાથે 24 કલાક ડોક્ટરોની ટીમ તહેનાત છે. રાજકોટ PDU સિવિલમાં પણ તાપમાન 42 પાર થતાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 20 બેડનો સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો છે. આ ઉપરાંત, નવસારી સિવિલના ઈમરજન્સી વિભાગમાં 30 બેડનો વોર્ડ કાર્યરત કરાયો છે અને પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. જ્યારે વડોદરાની SSG હોસ્પિટલમાં પણ હીટ સ્ટ્રોક માટે ખાસ અલગ વોર્ડ ઉભો કરાયો છે અને તંત્ર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.


આ પણ વાંચો:વડોદરામાં હાહાકારઃ હીટવેવના લીધે હીટસ્ટ્રોકથી 9નાં મોત

આ પણ વાંચો:ભારે ગરમીએ મતદાન કાર્યકરો પર પાયમાલી કરી, 58 લોકોના મોત

આ પણ વાંચો:હીટસ્ટ્રોકથી 2નાં મોત, શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો