મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના યશસ્વી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે માંડવી રિવરફ્રન્ટ ખાતે ૯મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ સમારોહ પ્રવાસન, મત્સઉદ્યોગ વિભાગના મંત્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મંત્રી હસ્તે જંગલ જમીન અધિકાર કાયદા, સ્વરોજગારી યોજના, વેલાવાળા શાકભાજી માટેની મંડપ યોજના, વ્યક્તિગત મકાન સહાય, માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરૂ, હળપતિ આવાસ યોજનાના માંડવી તાલુકાના કુલ ૩૯૮ આદિવાસી લાભાર્થીઓને રૂ.૧.૪૭ કરોડના સાધનસહાય, લાભો અને હકપત્રકો એનાયત કરાયા હતા.
આ પ્રસંગે મંત્રી જવાહરભાઈ ચાવડાએ યુનો દ્વારા ઘોષિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સૌને શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, તેમની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતીતિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યના આદિજાતિ વિસ્તારમાં ચારેકોર શાળા-કોલેજો, રોડ રસ્તાઓ, પીવાના પાણીની સગવડ, સિંચાઈ, વિજળી જેવી પાયાની સુવિધાઓ ઊભી કરી કરીને અમારી સરકારે આદિવાસી સમાજ માટે વિકાસનો માર્ગ કંડાર્યો છે એમ જણાવી મંત્રી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આદિવાસી વિકાસયાત્રાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અવિરત જાળવી રાખી છે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
તેમણે રાજ્યમાં આદિજાતિ બાળકોના શિક્ષણની કાળજી સરકાર લઇ રહી છે એમ જણાવતાં ઉમેર્યું કે, રૂ.૧૦૦ કરોડના ખર્ચે આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણની તક પૂરી પાડવા રાજપીપળા ખાતે રૂ.૩૪૧ કરોડના ખર્ચે ૩૯ એકરમાં ‘બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી’ની સ્થાપના કરી છે, જેનું આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત થયુ છે. આ યુનિવર્સિટી આદિજાતિ વિદ્યાર્થીઓના આમૂલ પરિવર્તનનું માધ્યમ બનશે. સાથોસાથ આદિવાસી અસ્મિતાને ઉજાગર કરતું આદિવાસી મ્યુઝિયમ પણ નર્મદા જિલ્લામાં સાકાર થશે. જમીન સાથે જોડાયેલા તેમજ પ્રકૃતિના પૂજક તરીકેની આગવી ઓળખ ધરાવનાર વનબંધુ આદિજાતિ સમાજના દરેક પરિવારોના આંગણા સુધી વિકાસના ફળો પહોંચાડયા છે એમ ગૌરવથી કહ્યું હતું.
સમારોહમાં મંત્રી સહિત મહાનુભાવોનું પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે પ્રાચીન વાદ્યોની સંગીતમય સૂરાવલિઓ છેડીને ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. ઉજવણીના ભાગરૂપે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપરિક વેશભૂષા, આદિવાસી નૃત્ય સહિત વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
