Ahmedabad News : અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) ના નામે દેશભરમાં લોકોને ડરાવી ધમકાવી કરોડોની છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સાઇબર ગેંગનો મોટો પર્દાફાશ કર્યો છે. TRAI, મુંબઈ ક્રાઇમ બ્રાંચ, ED, CBI તથા ઇન્ટરપોલના અધિકારી બની ફોન અને વોટ્સએપ કોલ દ્વારા લોકોને મની લોન્ડરિંગ, સાયબર ક્રાઇમ અને પોર્નોગ્રાફી જેવા ગંભીર ગુનાઓમાં ફસાવાની ધમકી આપી આ ગેંગ દ્વારા કુલ ₹7,12,84,000ની છેતરપિંડી કરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેમના આધારકાર્ડનો ઉપયોગ કરી એક સેલિબ્રિટી ને પોર્નોગ્રાફી વિડિયો મોકલવામાં આવ્યો છે તેમજ તેઓ નરેશ ગોયલ સાથે સંપર્કમાં હોવાના કારણે મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાનું કહી EDમાં વેરિફિકેશન કરાવવાની ફરજ બતાવવામાં આવી હતી.
વોટ્સએપ કોલ દ્વારા તેમની ગતિવિધિઓ પર નજર રાખી “ડિજિટલ અરેસ્ટ” (Digital Arrest)હોવાનો દાવો કર્યો
આરોપીઓએ ફરિયાદીને ડરાવવા માટે ફેક ડેબિટ કાર્ડ, ઇન્ટરપોલ રેડ નોટિસ, CBI લોગોવાળા પત્રો તથા આધારકાર્ડ નંબર મોકલી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ વોટ્સએપ કોલ દ્વારા સતત તેમની ગતિવિધિઓ પર નજર રાખી “ડિજિટલ અરેસ્ટ” (Digital Arrest) હેઠળ હોવાનો દાવો કર્યો હતો. EDમાં વેરિફિકેશનના બહાને ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરાવી, વેરિફિકેશન બાદ નાણા પરત આપવાની ખાતરી આપી અંતે રકમ પરત ન કરી ઠગાઈ આચરવામાં આવી હતી.
તા. 16/12/2025 થી 26/12/2025 દરમિયાન ફરિયાદીને સંપૂર્ણ રીતે માનસિક દબાણ હેઠળ રાખી, પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી “ડિજિટલ અરેસ્ટ” (Digital Arrest) કરીને કુલ ₹7.12 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા IT એક્ટની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ, સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાંચ) અને નાયબ પોલીસ કમિશનર (સાયબર ક્રાઇમ)ની દેખરેખમાં PI એન.એસ. ખોખર અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અમદાવાદ અને સુરત ખાતે અલગ–અલગ ટીમો મોકલી કુલ 12 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ વિવિધ “લેયર”માં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી નાણાં ટ્રાન્સફર કરતા હતા. આ નાણાં બાદમાં USDT (ક્રિપ્ટોકરન્સી)માં કન્વર્ટ કરી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના મુખ્ય હેન્ડલર્સ સુધી પહોંચાડવામાં આવતા હતા. દરેક ટ્રાન્ઝેક્શન પર આરોપીઓ કમિશન મેળવતા હોવાનું પણ બહાર આવ્યું છે.
NCCRP પોર્ટલ પર તપાસ કરતા આરોપીઓના મોબાઇલમાંથી દેશના અલગ–અલગ રાજ્યો અને શહેરોમાં નોંધાયેલી કુલ 238થી વધુ સાયબર ઠગાઈની ફરિયાદો મળી આવી છે. ઉપરાંત, કાંબોડિયા આધારિત ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) કોલ સેન્ટર ચલાવતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગ સાથે આરોપીઓ સીધા સંપર્કમાં હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી 16 મોબાઇલ ફોન, વિવિધ કંપનીઓના સિમકાર્ડ તથા ₹1.73 લાખ રોકડા મળી કુલ અંદાજે ₹2.94 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. સમગ્ર કેસમાં આરોપીઓની ભૂમિકા મુજબ નાણાંના લેયરિંગ, કમિશન વિતરણ અને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
સાયબર ક્રાઇમ બ્રાંચે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સરકારી એજન્સી ક્યારેય ફોન કે વોટ્સએપ દ્વારા ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) કે વેરિફિકેશન માટે નાણાં માગતી નથી. આવા કોલ આવે તો તરત 1930 હેલ્પલાઇન અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અનુરોધ કર્યો છે.
