જમ્મુ એરપોર્ટ સંકુલમાં સ્થિત એરફોર્સ સ્ટેશન પર વિસ્ફોટકથી ભરેલા બે ડ્રોન પડ્યા બાદ થયેલા વિસ્ફોટના સંદર્ભમાં રવિવારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. બ્લાસ્ટ બાદ તપાસ એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તપાસ અધિકારીઓએ આ હુમલા પાછળ પાકિસ્તાન આતંકવાદી જૂથ જેશ-એ-મોહમ્મદની સંડોવણીની શંકા વ્યક્ત કરી છે. આ હુમલા બાદ પૂંચ સહિત અનેક જિલ્લાઓમાં હાઈએલર્ટ પણ જાહેર કરાયું છે.
તપાસમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે સવારે જમ્મુ એરપોર્ટ પર થયેલા હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકી જૂથ જેશ-એ-મોહમ્મદનો હાથ હોઈ શકે છે. સૂત્રએ એમ પણ કહ્યું હતું કે, સંગઠનને અન્ય કોઈ સંસ્થાનો ટેકો મળ્યો હશે, કારણ કે હુમલો પાકિસ્તાની સૈન્ય અથવા આઈએસઆઈની સક્રિય સંડોવણી વિના થઈ શકે નહી.
આ અંગે માહિતી આપતાં અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આતંકવાદ સંબંધિત કેસની તપાસ કરનારી એજન્સી એનઆઈએ દ્વારા આ મામલો હાથમાં લેવામાં આવે તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે ગઈકાલે રાત્રે જમ્મુ એરપોર્ટ સંકુલમાં સ્થિત એરફોર્સ સ્ટેશન પર ડ્રોન પડ્યા હતા. તેમણે કહ્યું કે સંભવત: આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનના શંકાસ્પદ આતંકવાદીઓએ હુમલામાં માનવરહિત વાહનનો ઉપયોગ કર્યો છે.
અહેવાલો અનુસાર બપોરે 1.40 વાગ્યે છ મિનિટના અંતરાલમાં થયેલા બે વિસ્ફોટોમાં આઈએએફના બે જવાન ઘાયલ થયા છે. શહેરના સતવારી વિસ્તારમાં પહેલા વિસ્ફોટમાં એરપોર્ટના ટેકનીકી વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઈ હતી. આ સ્થાનની જાળવણી માટે વાયુ સેના જવાબદાર છે અને બીજો વિસ્ફોટ છ મિનિટ પછી જમીન પર થયો હતો. જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક દિલબાગસિંહે આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો છે
