Surat News/ માતાએ નવજાત શિશુને કોથળીમાં પેક કરી કચરામાં ફેંક્યું, CCTVથી ભાંડો ફૂટ્યો

સુરતના કતારગામમાં બદનામીના ડરે માતાએ અધૂરા માસે જન્મેલા બાળકને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી કચરામાં ફેંકી દીધું. કૂતરાઓએ થેલી ખેંચતા સીસીટીવીના આધારે પોલીસે માતાની કરી ધરપકડ.

Gujarat Top Stories Surat
Surat Katargam Crime News

Surat Katargam Crime News: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી રૂવાડા ઊભા કરી દે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં સમાજ અને પરિવારમાં બદનામીના ડરથી એક માતાએ પોતાના જ નવજાત શિશુને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને ઉકરડામાં ફેંકી દીધું હતું. આ આખી પાપલીલાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે રખડતા કૂતરાઓ કચરાના ઢગલામાંથી એ થેલીને રોડ પર ખેંચી લાવ્યા હતા. સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ચોકબજાર પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ માતાની ધરપકડ કરી લીધી છે.

Surat Katargam Crime News

કચરાના ઢગલામાંથી કૂતરા થેલી ખેંચી લાવ્યા ને મામલો બહાર આવ્યો

પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, ગત 25 મેના રોજ મોડી રાત્રે આશરે એક વાગ્યાની આસપાસ કતારગામની અવધૂતનગર સોસાયટી, સીતારામ ફ્લોર મીલની સામે ભક્તિનગર તરફ જતા રોડ પરથી એક ફાટેલી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. સ્થાનિક લોકોએ તપાસ કરતા તેમાંથી આશરે એકાદ દિવસનું તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં બિનવારસી મળી આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતાં ચોકબજાર પોલીસ સ્ટેશને તાત્કાલિક હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને આસપાસના સીસીટીવી તપાસતા માલૂમ પડ્યું કે, કૂતરાઓ આ થેલીને નજીકના કચરાના ઢગલામાંથી ઘસડીને હાઈવે પર લાવ્યા હતા.

Surat : હાથમાં પ્લાસ્ટિક બેગ લઈને જતી માતા CCTV માં કેદ

ચોકબજાર પોલીસના સર્વેલન્સ સ્ટાફે જ્યારે કચરાના ઢગલાની આસપાસની શાંતિનગર અને અવધૂતનગર સોસાયટીના સીસીટીવી કેમેરા વધુ બારીકાઈથી ચેક કર્યા, ત્યારે એક શંકાસ્પદ અજાણી મહિલા રાત્રિના અંધકારમાં હાથમાં પ્લાસ્ટિકની બેગ લઈને જતી જોવા મળી હતી. આ ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે કડક ફિલ્ડ વર્ક કરીને બાળકને જન્મ આપી કચરામાં ત્યજી દેનારી સગી જનેતાને શોધી કાઢી હતી.

Surat Katargam Crime News

‘બે પુખ્તવયના સંતાનો છે, આ ઉંમરે ગર્ભ રહેતા ડર લાગ્યો’ 

પોલીસ પૂછપરછમાં આરોપી મહિલાએ જે ચોંકાવનારી કબૂલાત કરી છે તે સાંભળીને કાયદાના રક્ષકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલાએ જણાવ્યું કે તેને ઓલરેડી બે પુખ્ત વયના (મોટા) સંતાનો છે. આ ઉંમરે પતિ દ્વારા ફરીથી ગર્ભ રહી જતાં તેને સમાજ અને પોતાના જ સંતાનો સામે ભયંકર બદનામી અને મજાકનો ડર સતાવી રહ્યો હતો. આથી જ્યારે ઘરમાં કોઈ હાજર ન હતું, ત્યારે તેણે ઘરે જ અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો. લોકલાજ અને પાપ છુપાવવા માટે તેણે માસૂમ નવજાત શિશુને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી મોડી રાત્રે કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું.

આ ભયાનક કૃત્ય બદલ ચોકબજાર પોલીસે આરોપી કળિયુગી માતા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-94 અને 91 મુજબ કડક ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો:ભ્રષ્ટ બાબુનો ખેલ ખતમ! ગાંધીનગર મનપાના આસિ. કમિશનર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં લાંચ લેતા 2 કર્મચારીઓ રંગેહાથ ACB એ ઝડપ્યા