E-Vehicle Subsidy Gujarat Students: ક્લાયમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યા સામે લડવામાં ગુજરાત ફરી એકવાર દેશનું રોલ મોડેલ બન્યું છે. વર્ષ 2026-27ના બજેટમાં ક્લાયમેટ ચેન્જ વિભાગ માટે ₹429 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિજ્ઞાન અને ક્લાયમેટ ચેન્જ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં જાહેરાત કરી કે ગુજરાત 44,916 મેગાવોટની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા સાથે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે છે.
ગુજરાતનો મક્કમ નિર્ધાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ ધપાવતા ગુજરાત વર્ષ 2047 સુધીમાં ‘નેટ-ઝીરો’ લક્ષ્યાંક હાંસલ કરવા માટે મક્કમતાથી આગળ વધી રહ્યું છે. આ દિશામાં ગુજરાતે દેશમાં પ્રથમવાર ‘ક્લાયમેટ એક્શન ટ્રેકર’ લોન્ચ કરીને પર્યાવરણીય સુરક્ષા ક્ષેત્રે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો દબદબો પણ સતત વધી રહ્યો છે, જેમાં પવન ઊર્જામાં 15,197 મેગાવોટ અને સૌર ઊર્જામાં 27,486 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાતે ઐતિહાસિક સફળતા મેળવી છે.
વિદ્યાર્થીઓ માટે E-Vehicle સબસિડી
પર્યાવરણના જતન સાથે વિદ્યાર્થીઓના સશક્તીકરણ માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત 16 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ હવે બેટરી સંચાલિત લો-સ્પીડ દ્વિચક્રી વાહનોની ખરીદી પર સબસિડીનો લાભ મેળવી શકશે. આ હેતુ માટે બજેટમાં ₹11 કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની આ પ્રોત્સાહક યોજના હેઠળ અત્યાર સુધીમાં 56,000થી વધુ વિદ્યાર્થીઓને ₹63 કરોડની સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી ચૂકી છે, જે પર્યાવરણ અને શિક્ષણ બંને ક્ષેત્રે પૂરક સાબિત થઈ રહી છે.

બજેટ 2026-27ની મુખ્ય નવી જોગવાઈઓ
પર્યાવરણના જતન અને ઊર્જા બચત માટે સરકારે બજેટમાં અનેકવિધ જોગવાઈઓ કરી છે, જે અંતર્ગત વીજળી આધારિત સ્મશાનગૃહો પર સોલાર રૂફટોપ લગાડવા માટે ₹6 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે જ લાકડાનો વપરાશ ઘટાડવાના હેતુથી વધુ 1200 સુધારેલી સ્મશાનભઠ્ઠીઓ માટે ₹7 કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્યની 70 જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ₹12 કરોડની સબસિડી જાહેર કરાઈ છે, જ્યારે પર્યાવરણ ક્ષેત્રે નવા નવતર પ્રયોગો અને આઈડિયાઝને પ્રોત્સાહન આપવા માટે ₹5 કરોડની GSAS યોજના અમલમાં મૂકાશે. વધુમાં, સરકારી ઇમારતો પર લાગેલા સોલાર રૂફટોપના સચોટ મોનિટરિંગ માટે અત્યાધુનિક IOT સિસ્ટમ વિકસાવવા ₹3.5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ટેકનોલોજી અને જનજાગૃતિ
રાજ્યની 5,377 સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમ લગાડીને વીજળીની બચત કરવામાં આવી રહી છે. મિશન LiFE (Lifestyle for Environment) અંતર્ગત શૈક્ષણિક મોડ્યુલ્સ બનાવવા ₹9.3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે.
