Palanpur News : સરદાર કૃષિનગર દાંતીવાડા (Dantiwada)કૃષિ યુનિવર્સિટી(Agriculture University)નો 21મો પદવીદાન સમારોહ (Convocation Ceremony)આજે રાજ્યપાલ તથા યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પદવીદાન સમારોહ (Convocation Ceremony) સમારોહમાં રાજ્યપાલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના 36 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ 39 સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા.
તેમાં 7 ચાન્સેલર ગોલ્ડ મેડલ,6 વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને 26ડોનર ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ઉપરાંત કૃષિ યુનિવર્સિટી(Agriculture University)ની વિવિધ ફેકલ્ટીના કુલ 510 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી દીક્ષિત કરવામાં આવ્યા હતા, જેમાં 302 સ્નાતક, 154 અનુસ્નાતક અને 54 વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત થઈ હતી.
પદવીદાન સમારોહ (Convocation Ceremony)માં રાજ્યપાલએ પદવીધારકોને અભિનંદન પાઠવ્યા
પદવીદાન સમારોહ (Convocation Ceremony)માં રાજ્યપાલએ પદવીધારકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પ્રાચીન સમયથી દેશમાં ગુરુ-શિષ્યનો સંબંધ અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. શિક્ષણના આદાન-પ્રદાન અને દિક્ષાંત સમારોહ થકી ગુરુ દ્વારા વિદ્યાર્થીઓને અંતિમ ઉપદેશ આપવામાં આવે છે. એક વિદ્યાર્થી પાસે સમાજ, પરિવાર અને દેશ શું અપેક્ષા રાખે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. પ્રાચીન સમયથી ગુરુ દ્વારા વિદ્યાર્થીને પ્રથમ ઉપદેશ તરીકે સત્ય આધારિત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવે છે. સત્ય અજેય છે અને તે અંધકારમાંથી ઉજાસ તરફ દોરી જાય છે.
બીજો ઉપદેશ જીવનમાં એવા દિવ્ય ગુણોને અપનાવવાનો છે, જેનાથી દરેકને સુખ અને શાંતિ મળે, જ્યારે ત્રીજો ઉપદેશ એ છે કે વિદ્યાર્થીએ જે વિષયનો અભ્યાસ કર્યો હોય તેની સાથે સતત જોડાયેલા રહી પોતાનું જ્ઞાન કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના હિતમાં ઉપયોગી બનાવવું જોઈએ. તેમણે જણાવ્યું કે, ખેડૂત ખેતરમાં જવાનું છોડી દે અને વિદ્યાર્થી અભ્યાસ છોડી દે તો બંનેનું કાર્ય નિરર્થક બની જાય છે.
રાજ્યપાલએ જણાવ્યું કે, એક વિદ્યાર્થી માટે માતા-પિતા અને ગુરુ હંમેશા પૂજનીય છે. દરેક વિદ્યાર્થીએ દેશના હિતમાં સારું કાર્ય કરવાની દિશામાં પ્રયત્ન કરવો જોઈએ. તેમણે દેશની કૃષિ વ્યવસ્થાના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 60 ના દશકામાં ભારત અન્નક્ષેત્રે અન્ય દેશો પર નિર્ભર હતું. તે સમયે વૈજ્ઞાનિક ડૉ. એમ. એસ. સ્વામીનાથને દેશને હરિત ક્રાંતિનો માર્ગ બતાવ્યો હતો.
તેમના રિપોર્ટ અનુસાર તે સમયે દેશની જમીનમાં ઓર્ગેનિક કાર્બન 2 થી 2.5 ટકા હતો. તેમણે રાસાયણિક ખાતર ઉપરાંત પરંપરાગત ખેતી ચાલુ રાખવા ભલામણ કરી હતી. પરંતુ સમયાંતરે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધતા આજે જમીનનો ઓર્ગેનિક કાર્બન ખૂબ જ ઘટી ગયો છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવામાં મદદરૂપ બને છે, જ્યારે રાસાયણિક ખાતર તેને ઘટાડે છે.
આ પ્રસંગે રાજ્યપાલએ “શ્રી અન્ન” પુસ્તકનું વિમોચન કર્યું હતું તેમજ યુનિવર્સિટીના નવા ગેટ અને વેબસાઇટને ખુલ્લી મૂકી હતી. દીક્ષાંત પ્રવચન આપતા રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીએ કૃષિના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો કરીને કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે દાંતીવાડા (Dantiwada)કૃષિ યુનિવર્સિટી(Agriculture University)ના કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીએ જણાવ્યું હતું કે ‘એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા હાયર એજ્યુકેશન રેન્કિંગ 2025-26માં યુનિવર્સિટીએ દેશભરમાં 11મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઘઉં અને દિવેલા (અરંડી) સંશોધન કેન્દ્રોને રાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ એવોર્ડ મળ્યા છે. આ વર્ષે વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂત સમુદાય માટે નવી ભલામણો રજૂ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીએ 96 ગામો દત્તક લીધા છે અને વિવિધ સંશોધન કેન્દ્રોમાં કામગીરી પ્રગતિમાં છે.
તેમણે જણાવ્યું કે, યુનિવર્સિટી દ્વારા શિક્ષણ અને સંશોધન સાથે માળખાકીય સુવિધાઓમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેમાં અરવલ્લીમાં નવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) તથા વાવ-થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપનાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે આ વર્ષે 31 વિદ્યાર્થીઓએ નેટ (NET) પરીક્ષા પાસ કરી છે અને રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા 140 સ્ટાર્ટઅપ્સને સહયોગ આપવામાં આવ્યો છે. અંતમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી તેમણે વિદ્યાર્થીઓને નૈતિકતા અને નિષ્ઠા સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આઈ.સી.એ.આર, નવી દિલ્હીના એ.ડી.જી. ડૉ. સંજીવ ગુપ્તાએ દીક્ષાંત ઉદ્બોધન કરતા પદવીધારકોને આજના સ્પર્ધાત્મક યુગમાં જ્ઞાન સાથે કૌશલ્ય વિકસાવવાની અને કૃષિ ક્ષેત્રે નવા સ્ટાર્ટઅપ શરૂ કરી ‘નોકરી લેનાર’ને બદલે ‘નોકરી આપનાર’ બનવાની પ્રેરણા આપી હતી.
આ પદવીદાન સમારંભમાં બેસ્ટ ટીચરનો એવોર્ડ ડૉ. આર. એસ. જૈમનને, બેસ્ટ સંશોધનકર્તાનો એવોર્ડ ડૉ. એલ. ડી. પરમારને અને બેસ્ટ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રીનો એવોર્ડ ડૉ. સચીન માળવેને એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય માવજી દેસાઈ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટીયા, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી. એચ. ટાંક, જિલ્લા કલેક્ટર મિહીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, ભૂતપૂર્વ કુલપતિઓ, કેન્દ્ર નિયામકો, મેનેજમેન્ટ બોર્ડના સભ્યો, શિક્ષણ-સંશોધન અને વિસ્તરણ કાઉન્સિલના સભ્યો, કૃષિ વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો તથા પદવીધારકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલે ખેત તલાવડી, ઓટોમેટિક જીવામૃત મશીન વગેરેનું નિરીક્ષણ કર્યું
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સરદારકૃષિનગર કૃષિ યુનિવર્સિટી સ્થિત શાકભાજી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. યુનિવર્સિટી દ્વારા આ ફાર્મ ઉત્તર ગુજરાતમાં થતા તમામ પાકોનું સંશોધન, નવીન વેરાયટી બનાવવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી થકી ડુંગળી, બીટ, ટામેટા, ધાણા સહિતના શાકભાજી પાકોનું વાવેતર કરાય છે. રાજ્યપાલએ ખેત તલાવડી, ઓટોમેટિક જીવામૃત મશીન વગેરેનું નિરીક્ષણ કર્યું હતું.
