અમદાવાદ,
મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મંગળવારે સવારે અમદાવાદમાં અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરુ થઇ ગયો છે. તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ આગામી બે દિવસ દરમિયાન છૂટા છવાયા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગે આગાહી ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. જેમાં પ્રથમ દિવસે એટલે કે 24મી જુલાઇના રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત રિજયન વિસ્તારમાં આવતા સુરત, ભરૃચ, નર્મદા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં આ વરસાદની શકયતા વ્યકત થઈ છે. ખાસ કરીને હાલમાં મધ્યપ્રદેશમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ અને તેની સાથે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં છવાયેલા અપર એર સાઈકલોનિક સરકયુલેસનની ચાલુ રહેલી અસરને કારણે સક્રિય ચોમાસાની ગતિવિધિ ચાલુ રહેવાની શકયતા છે.
સૌથી વધારે ૭૦.૫૫ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. ત્યાર બાદ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ૬૯.૪૧ ટકા પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ૩૮.૩૨ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૮.03 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છની વાત કરવામાં આવે તો અહીં સૌથી ઓછો ૧૧.૦૮ ટકા વરસાદ પડ્યો છે.

સુરત જિલ્લાના માંડવીમાં અડધો ઈંચ બાદ કામરેજ, માંગરોળ અને શહેરમાં હળવા વરસાદી ઝાંપટા નોંધાયા હતા. જયારે ઉકાઈ ડેમની સપાટી સાંજે સાત વાગ્યે ૨૯૭.૪૦ ફૂટ નોંધાઈ હતી અને પાણીની આવક લગભગ બંધ થઈ ગઈ હતી. હથનુરની સપાટી પણ ૨૦૯.૫૦ મીટરે સ્થિર છે અને ત્યાંથી ફકત ત્રણ હજાર કયુસેક પાણી નદીમાં આવી રહ્યું છે.
