Gandhinagar News/ ભ્રષ્ટ બાબુનો ખેલ ખતમ! ગાંધીનગર મનપાના આસિ. કમિશનર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગાંધીનગર કોર્પોરેશન (GMC)ના આસિ. મ્યુનિ. કમિશનર ઉપેન્દ્ર સુતરિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ટેક્સના પેન્ડિંગ લિસ્ટમાંથી નામ કાઢી નાખવા અને નકલી પહોંચના મામલે લાંચ માંગી હતી.

Gujarat Gandhinagar Top Stories
GMC Assistant Municipal Commissioner Bribery Case

GMC Assistant Municipal Commissioner Bribery Case: રાજધાની ગાંધીનગરની મહાનગરપાલિકા (GMC) ના ભ્રષ્ટ અધિકારીઓ પર એસીબીએ તવાઈ બોલાવી છે. ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઉપેન્દ્ર સુતરિયા 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. આ કેસમાં માત્ર લાંચ જ નહીં, પરંતુ ટેક્સ વિભાગમાં ચાલતા એક બહુ મોટા ‘ફેક રિસીપ્ટ’ (નકલી પહોંચ) કૌભાંડનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

શું છે સમગ્ર મામલો?

આ આખી ઘટના એક જૂની ટેક્સ પહોંચથી શરૂ થઈ હતી. ફરિયાદીએ એક ગ્રાહકને કાર વેચી હતી અને તેનો જીએમસી ટેક્સ ભરવા માટે અન્ય એક વ્યક્તિને 43,000 રૂપિયા આપ્યા હતા. આ વ્યક્તિએ ટેક્સ ભર્યાની પહોંચ પણ આપી દીધી હતી, પરંતુ ખરો ખેલ ત્યારે શરૂ થયો જ્યારે કોર્પોરેશનમાંથી ગ્રાહક પર ફોન આવ્યો કે તમારો ટેક્સ બાકી છે! જ્યારે ગ્રાહકે પોતાની પાસે રહેલી પહોંચ કોર્પોરેશનમાં મોકલી, ત્યારે ખોટી પહોંચનો ખુલાસો થતા અધિકારીઓએ જણાવ્યું કે આ પહોંચ તો તદ્દન ખોટી છે અને તેનો કોઈ રેકોર્ડ કચેરીમાં નથી. આખરે ટેક્સના નાણાં લઈને ખોટી પહોંચ આપનાર વ્યક્તિએ પણ સ્વીકાર્યું કે તેણે કોઈ ટેક્સ ભર્યો નથી અને 43,000 રૂપિયા પરત કરી દીધા હતા.

અધિકારીએ ‘સેટિંગ’ કરવા માંગી લાંચ

આ નકલી પહોંચના મામલે ફરિયાદી પર કાયદેસરની કાર્યવાહી ન કરવા અને ડીલરશીપનું લાયસન્સ રદ ન કરવાના બદલામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઉપેન્દ્ર સુતરિયાએ 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે ફરિયાદીએ ટેક્સ ઓનલાઇન ભરવાની વાત કરી, ત્યારે અધિકારીએ એક ચોંકાવનારી ઓફર આપતા કહ્યું કે, “તમે મને 1 લાખ રોકડા આપો, એટલે હું ટેક્સના પેન્ડિંગ લિસ્ટમાંથી તમારા ગ્રાહકનું નામ જ ઉડાડી દઈશ!”. અધિકારીના આ શબ્દો પરથી હવે એવી શંકા પ્રબળ બની છે કે આ કૌભાંડમાં અગાઉ પણ અનેક મોટા માથાઓના નામ લાંચ લઈને ટેક્સ લિસ્ટમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હોઈ શકે છે.

ACB ની ટ્રેપમાં ભ્રષ્ટ બાબુ કેદ

લાંચની માંગણીથી કંટાળીને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવીને ઉપેન્દ્ર સુતરિયાને 1 લાખની રોકડ સ્વીકારતા દબોચી લીધા હતા. હવે એસીબી એ દિશામાં તપાસ કરી રહી છે કે કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં આવા કેટલા નકલી પહોંચના કૌભાંડો ચાલી રહ્યા છે અને આમાં અન્ય કયા મોટા અધિકારીઓની સંડોવણી છે.


આ પણ વાંચો : GMCનો ટેક્સ અધિકારી લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના દસાડામાં લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

આ પણ વાંચો : પાલનપુર નજીક ACBનો સફળ ટ્રેપ, વાહન ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતા કર્મચારી ઝડપાયા