મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રીએ ફ્રાન્સ અને ભારતના ઉષ્માપૂર્ણ સંબંધોનો આ બેઠકમાં ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમિત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ફ્રાન્સની ઓલિમ્પિક્સ ગેઇમ્સના આયોજનમાં જે મહારથ છે તેનો લાભ આગામી 2036માં ઓલમ્પિક્સના ગુજરાતમાં થનારા આયોજનમાં પણ મળે તે માટે આ બેઠકમાં વિસ્તૃત વિચાર-પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, ઓલિમ્પિક્સ ગેઇમ્સ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓમાં ફ્રાન્સના જ્ઞાન કૌશલ્યનો સહયોગ લેવા ગુજરાત ઈચ્છે છે. ઓલિમ્પિક્સ ગેઇમ્સ પૂર્ણ થયા બાદ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાંબા ગાળા માટે કઈ રીતે ઉપયોગી થઈ શકે તે અંગે પણ ફ્રાન્સની એક્સપર્ટીઝનો વિનિયોગ કરવામાં તેમને રસ દાખવ્યો હતો. ફ્રાન્સના રાજદૂતએ ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી, પોર્ટ્સ અને સ્પોર્ટ્સ સેક્ટરમાં સંબંધો વધારવાની ઉત્સુકતા દર્શાવી હતી.
તેમણે વાઇબ્રન્ટ સમિટ-2024માં ફ્રાન્સના ડેલીગેશનની ઉપસ્થિતિનો ઉલ્લેખ કરતા એમ પણ જણાવ્યું કે, આ સમિટમાં બે ફ્રેન્ચ ઉદ્યોગજૂથોએ રોકાણ માટેની જાહેરાત કરી છે. ફ્રાન્સના રાજદૂતશ્રીએ અમદાવાદમાં IIM, NIDની પણ મુલાકાત લીધી હતી અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગિફ્ટ સિટીમાં શૈક્ષણિક સંકુલ શરૂ કરવાની દિશામાં તેઓ વિચારાધીન છે એમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ગિફ્ટ સિટીમાં ઉપલબ્ધ સુવિધાઓ અને ગિફ્ટ સિટીની વિશેષતાઓ અંગેની વિગતો આપતા કહ્યું કે, ગિફ્ટ સિટી પાછલા 10 વર્ષમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી તરીકે વિકસ્યું છે. દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ગિફ્ટમાં કાર્યરત છે.
એટલું જ નહિં, ફીનટેક, આઈ.ટી. એન્ડ આઇ.ટી.ઇ.એસ., આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોની પણ એક આખી ઈકોસિસ્ટમનો ગિફ્ટસિટીમાં લાભ મળી શકે તેમ છે. ફ્રાન્સના રાજદૂતશ્રીએ આ બધા ક્ષેત્રો ઉપરાંત રિન્યુએબલ એનર્જી, નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ જેવા સેક્ટરમાં પણ ગુજરાત સાથે સહભાગીદારી અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે ફ્રાન્સને જમીનની ઉપલબ્ધિ, પસંદગી અને ફાળવણી સુધી રાજ્ય સરકારના સપોર્ટની ખાતરી આપી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, OSD શ્રી એ.બી.પંચાલ, ગુજરાત મેરીટાઈમ બોર્ડના વી.સી. અને એમ.ડી.રાજકુમાર બેનીવાલ, ઇન્ડેક્ષ-બીના એમ.ડી. શ્રી ગૌરાંગ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ભારતમાં તમામ જીવ જંતુઓની યાદી બનાવતા 1 લાખથી વધુ પ્રજાતિઓ હોવાનું સામે આવ્યું
આ પણ વાંચો: એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ સંસદીય કાર્યવાહી કવરેજ કરવા મીડિયા પરનો પ્રતિબંધ હટાવવા કરી વિનંતી