@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં ડ્રોન દ્વારા હુમલાના અને બ્લાસ્ટ તેમજ ડ્રોન આંટાફેરાના અનેક બનાવો બન્યા. ભારતના લશ્કરી વડા જનરલ નરવાણે કહે છે કે, ભારતે જમ્મુ એરફોર્સ પર તાજેતરમાં જે બનાવો બન્યા તેને પહોંચી વળવા માટે ભારતે નવી ટેકનીક અપનાવવી પડશે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અઘ્યક્ષ સ્થાને મળેલી સુરક્ષા અધિકારીઓની હાજરી વાળી બેઠકમાં ડ્રોનના પ્રતિકાર સામે છેક સુધી લડી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ તો કોઈપણ પ્રકારના ડ્રોન એટેકને પહોંચી વળવા અને આ સિસ્ટમનો ઉપયોગ કરનારા દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટેની નીતિ તૈયાર થઈ ગઈ છે. ભારતના સંરક્ષણ મોરચે જેની મહત્વની ભૂમિકા છે તેના દ્વારા જે એન્ટી ડ્રોન સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે તે કોઈપણ પ્રકારના ડ્રોનને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. ડીઆરડીએાના મહાનિર્દેષક જી.મંજુલાના કહેવા પ્રમાણે ડીઆરડીઓ દ્વારા જે એન્ટી ડ્રોન સિસ્ટમ તૈયાર થઈ રહી છે તે તેના ત્રણ કિલોમિટરના વિસ્તારમાં આવનારા ડ્રોનની ઓળખ કરી જેને જામ કરી દે છે અને આ ઉપરાંત આ ડ્રોન જેવું એકથી અઢી કિલો મિટરનાં વિસ્તારમાં આવે એટલે તરત જ આવા ડ્રોનને એની લેસર બીમથી ટાર્ગેટ કરીને તોડી પાડે છે.

આ અંગે અમુક ટેકનીકલ અને ગુપ્ત બાબતો જાહેર કરાઈ નથી તે સ્વભાવિક છે કે સંરક્ષણને લગતી બધી બાબતો જાહેર કરી શકાય નહીં પરંતુ કેટલીક વિગતો તો જાહેર કરી જ શકાય છે. ડીઆરડીઓએ એવી ટેકનોલોજી અપનાવી છે કે જે જેર્મિંગ કમાન્ડના માધ્યમથી ડ્રોનને નીચે લાવી શકે છે અથવા તો લેસર આધારિત નિર્દેશિત ઉર્જા હથિયારના માધ્યમથી ડ્રોનના ઈલેક્ટ્રોનિક મશીનને નુકશાન પહોંચાડી શકે છે. ડીઆરડીઓએ સંપૂર્ણ સંશોધન સાથે સિસ્ટમ તો તૈયાર કરી દીધી છે અને આ એન્ટી ડ્રોન સિસ્ટમના ઉત્પાદનની જવાબદારી ભારત ઈલેકટ્રોનિક્સ લિમિટેડ (બેલ)ને સોંપ્યું છે. ૨૦૨૦માં કોરોનાની ગાઈડ લાઈન સાથે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું ત્યારે સ્થળ પર આવેલા વીવીઆઈપી લોકોને સુરક્ષા માટે આ સિસ્ટમ તહેનાત કરવામાં આવી હતી. જ્યારે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમદાવાદના મોટેરા સ્ટેડીયમ ખાતે આવ્યા ત્યારે પણ આ સિસ્ટમ લગાડવામાં આવી હતી. જો કે આ સિદ્ધી નોંધપાત્ર છે તેમ ગણાવીને સંરક્ષણ નિષ્ણાતો એવું પણ સૂચન કરે છે કે ડ્રોનનો તૂરત જ ખાત્મો કરી શકે તેવા પ્રકારની એન્ટી ડ્રોન સિસ્ટમ હોવી જોઈએ આ અંગે નિષ્ણાતો વધુમાં કહે છે કે, ઈઝરાઈલ, ચીન અને અમેરિકાએ આ પ્રકારની સિસ્ટમ વિક્સાવી છે. આ ત્રણેય દેશોની ઘણી ખાનગી કંપનીઓએ પણ આવી સિસ્ટમ શ‚ કરી છે. જેમાં રડાર, ઝામર, ઓપ્ટીક અને થર્મલ સેન્સર જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એકથી વધુ દેશોના આક્રમણને મારી હટાવવાની ક્ષમતા પૂરવાર કરનાર નાના છતાં રાયના દાણા એ કહેવતને સાચી પાડનાર દેશ ઈઝરાયલ છે. જેને જે એન્ટી ડ્રોન સિસ્ટમ વિકસાવી છે તે પ્રમાણે તેણે ડ્રોન ડોમ બનાવ્યું છે જે સામેથી આવતા કોઈપણ ડ્રોનમાં રહેલી મીસાઈલ સિસ્ટમનો ખાત્મો બોલાવે છે. આ સિસ્ટમની ઝપટમાં જે ડ્રોન આવે તે ઘડીના છઠ્ઠા ભાગમાં ખત્મ થઈ જાય છે. અમેરિકાએ પણ ઈઝરાયલ કરતાં વધુ આધુનિક અને અસરદાર બને તેવી ડ્રોન સિસ્ટમ વિકસાવી છે. જે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં (એટલે કે જેટ જેવી ઝડપથી ડ્રોનને ખત્મ કરે છે. અમેરિકાએ તેની એન્ટી ડ્રોન સિસ્ટમને ડ્રોન હેટર એવું નામ આપવામાં આવ્યું છે.

ડીઆરડીઓે એ અત્યારે એક એન્ટી ડ્રોન સિસ્ટમ વિકસાવી છે અને તે બહુ ટૂંકા ગાળામાં લશ્કરને અપાશે. ડીઆરડીઓ એ જે રીતે અગ્નિ મિસાઈલની પાંચથી વધુ પ્રકારની શ્રેણી વિક્સાવી છે. બે દિવસ પહેલા પણ બે હજારથી વધુ કિલો મિટરની રેન્જ વાળી અગ્નિ મિસાઈલની વધુ એક શ્રેણીનું ઓરિસ્સામાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે પણ કોઈ જેવી તેવી મિસાઈલ તો નથી જ. એ વાત નોંધ્યા વગર ચાલે તેમ નથી. જાણકારો કહે છે કે, ચીન અને પાકિસ્તાન એ બન્ને દેશોની અવળચંડાઈના વધ માટેનું આ શ્રેષ્ઠ હથિયાર છે.

પાકિસ્તાને ૧૯૭૧માં ભારત સામે યુદ્ધમાં જિંદગીભર યાદ રહે તેવી પછડાટ મેળવ્યા બાદ તેણે ત્રાસવાદીઓના ખભે બંદૂક મુકીને ફોડવાનો ધંધો શરુ‚ કર્યો છે. જેની અસર‚ પાકિસ્તાનને તેના હાથના કર્યા હૈયે વાગ્યા તેવો ઘાટ ઘડાયો છે. એટલે તો તે વિશ્વમાં એકલા પડી ગયા જેવી સ્થિતિમાં મુકાઈ ગયું છે. ભારતમાં આતંકવાદી મોકલી, ભારતના આતંકવાદી આકાઓને આશ્રય આપનાર પાકિસ્તાન હાલના તબક્કે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયુ છે.

એ તો ઠીક છે પણ આપણે મૂળ વાત તો ડીઆરડીઓ એટલે કે ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનની કરવાની છે. આ સંસ્થાના પાયામાં પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેનના નામથી ખ્યાતનામ બનેલા ડો.એપીજે અબ્દુલ કલામ છે. તેમણે તૈયાર કરેલી ટીમ જ મહત્વની કામગીરી કરી રહી છે તે પણ એક વાસ્તવિક હકિકત છે. અમદાવાદમાં ૯૦૦ બેડની અદ્યતન કોરોના હોસ્પિટલ ડીઆરડીઓ એ ઉભી કરી છે અને બીજી બાજુ કોરોનાની દવાની પણ શોધ કરી તેની ટ્રાયલ પણ શરૂ કર્યાના મિડિયાના અહેવાલો જો સાચા હોય તો આ તેની સૌથી વધુ અસરકારક સિદ્ધી કહેવાશે તે તો નોંદ્યા વગર રહી શકાશે નહિ તે પણ એક વાસ્તવિક હકિકત છે.

ડીઆરડીઓ ભલે સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થા હોય પરંતુ તેના વૈજ્ઞાનિકો કોઈપણ પ્રકારના સંશોધનમાં માહિર છે. આ વાતની કોઈ ના પાડી શકે તેમ નથી. ભારતના જવાનો સરહદની સુરક્ષા સાથે ઘર આંગણે તોફાનો વખતે તો ઠીક પરંતુ ભૂકંપ પૂર જેવી કુદરતી આફતો વખતે પણ આજ પ્રકારની અસરકારક કામગીરી કરે છે તે પણ વાસ્તવિક્તા છે તે જ રીતે ડીઆરડીઓ એ આરોગ્યના મોરચે પણ કેવી અસરકારક કામગીરી કરી તે કોરોના કાળમાં આપણે જોઈ લીધું છે.

અત્યારે કેન્દ્ર સરકારે પણ જ્યારે એન્ટી ડ્રોન સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે તેવે સમયે અને આ માટે વડાપ્રધાને પોતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરીને રણનીતિ બનાવી છે અને હવે આ દિશામાં કામગીરી પણ થશે તેવી આશા રાખવી વધુ પડતી તો નથી જ. ભારતના જાંબાઝ જવાનો જે રીતે દુશ્મન દેશોને જડબાતોડ જવાબ આપી રહ્યા છે તેવી જ રીતે ભારતના વૈજ્ઞાનિકો પણ અવકાશ આરોગ્ય સહિતના તમામ મોરચે અસરકારક જવાબ આપવા ટેવાયેલા છે તે વાતની નોંધ લીધા વગર ચાલે તેમ નથી.
