ઈઝરાયેલના બેરશેબામાં ચાકુ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, ચાકુ મારવાને કારણે ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે ચોથો વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો હતો ત્યારે હુમલાખોરે કારથી તેને ટક્કર મારી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસ અને ઈમરજન્સી સર્વિસે જણાવ્યું છે કે હુમલાખોરને ગોળી મારીને મારી નાખવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર હુમલાખોર આરબ મૂળનો હતો. પોલીસ પ્રવક્તા એલી લેવીએ ચેનલ 13 ટીવી પર કહ્યું: “એવું લાગે છે કે તે એકલો આતંકવાદી હતો જેણે ઘણા લોકોને ચાકુ માર્યા હતા.”
મેગ્ને ડેવિડ એડોમ એમ્બ્યુલન્સ સર્વિસે જણાવ્યું હતું કે હુમલામાં ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. ઇઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર હુમલાખોર આરબ વંશનો ઇઝરાયેલનો નાગરિક હતો, પરંતુ પોલીસે તરત જ તેની ઓળખ જાહેરમાં જાહેર કરી ન હતી. પોલીસે જણાવ્યું કે હુમલાખોર એક ગેસ સ્ટેશન પર પહોંચ્યો અને ત્યાં એક મહિલાને ચાકુ માર્યું. આ પછી કારમાં બેસી ગયો અને પછી બાઇક સવાર વ્યક્તિને કચડી નાખ્યો. હુમલાખોર કારમાંથી બહાર આવ્યો અને પછી એક મહિલા અને એક પુરુષને ચાકુ મારીને હત્યા કરી દીધી. જો કે, ત્યારબાદ પોલીસે તેને ગોળી મારીને મારી નાંખ્યો હતો.
