Gandhinagar News: મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જમીયતપુરા વિસ્તારની પ્રદૂષિત પાણી (Jamiyatpura Water Pollution)ની સમસ્યાને લઈને ગ્રામજનોએ ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) કચેરીએ વિરોધ નોંધાવ્યો. સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ગાંધીનગર પહોંચ્યા અને સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે ધામા નાંખ્યા.
ગ્રામજનોનો આક્ષેપ છે કે જમીયતપુરા નજીક આવેલી ડમ્પિંગ સાઇટના કારણે આસપાસના વિસ્તારોનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ, કૂવા અને જમીનમાંથી નીકળતું પાણી પીવા તેમજ ઘરગથ્થુ ઉપયોગ માટે યોગ્ય રહ્યું નથી.
Jamiyatpura Water Pollution: 18 ગામ પ્રભાવિત હોવાનો દાવો
વિરોધ કરી રહેલા લોકોનો દાવો છે કે આ સમસ્યાની અસર માત્ર જમીયતપુરા સુધી મર્યાદિત નથી, પરંતુ આસપાસના લગભગ 18 ગામોના કૂવા અને જળસ્ત્રોતો પણ પ્રદૂષિત થયા છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે વિવિધ કેમિકલ કંપનીઓનું વેસ્ટ અહીં લાવવામાં આવતું હોવાથી ભૂગર્ભ જળ અને તળાવો દૂષિત બન્યા છે.
આરોગ્ય પર ગંભીર અસરનો આક્ષેપ
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પ્રદૂષિત પાણી (Jamiyatpura Water Pollution)ના કારણે વિસ્તારમાં અનેક લોકોને ચામડીના રોગો, ગંભીર બીમારીઓ તેમજ કેન્સર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આરોગ્ય અને પર્યાવરણ પર પડતી અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે.
GPCB અને સ્થાનિક તંત્ર સામે આક્ષેપ
વિરોધ કરી રહેલા ગ્રામજનોએ GPCB અને સ્થાનિક અધિકારીઓ પર સમસ્યા પ્રત્યે પૂરતું ધ્યાન ન આપવાનો આક્ષેપ કર્યો છે. તેમણે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ, પ્રદૂષણના સ્ત્રોતની ઓળખ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.હાલ આક્ષેપોને લઈને સંબંધિત સત્તાવાળાઓ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
આ પણ વાંચો:અમદાવાદના અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે બબાલ: AMC કર્મચારીઓનો ઘેરાવ, પોલીસ બોલાવવી પડી
આ પણ વાંચો:અમદાવાદમાં પાણી માટે હાહાકાર, પ્રદૂષિત પાણીથી લોકો પરેશાન
આ પણ વાંચો:વસ્ત્રાપુર લેક મા પ્રદૂષિત પાણીનું સામ્રાજ્ય, વહીવટીતંત્રની બેદરકારી આવી સામે
