બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું છે. 266 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 49.5 ઓવરમાં 259 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે ટીમ ઈન્ડિયા પહેલા જ ફાઈનલમાં જગ્યા બનાવી ચૂકી છે. તેથી આ હારની ફાઈનલ પર કોઈ અસર નહીં થાય. પરંતુ બાંગ્લાદેશે જીત સાથે એશિયા કપમાં તેની સફર સમાપ્ત કરી દીધી છે. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન શાકિબ અલ હસને (80) સૌથી વધુ રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ અને મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ લીધી હતી.ભારત તરફથી ઓપનર શુભમન ગિલે લડાયક સદી ફટકારી હતી. તેણે 133 બોલમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 122 રન બનાવ્યા હતા,પરતું તેની સદી એળે ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે ટોસ હારીને બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. ઓપનર તંજીદ હસન (13) ત્રીજી ઓવરમાં અને લિટન દાસ (0) ચોથી ઓવરમાં આઉટ થયા હતા. અનામુલ હક (4) અને મેહદી હસન મિરાજ (13) બેટિંગ કરી શક્યા ન હતા. બાંગ્લાદેશે 14 ઓવરમાં 59 રન ઉમેર્યા અને 4 વિકેટ ગુમાવી દીધી. શાકિબ અને તૌહીદે પાંચમી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરી અને ટીમને 160થી આગળ લઈ ગઈ. શાકિબ 34માં પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 85 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રનની ઇનિંગ રમી હતી. તૌહીદે 81 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. તે 42મી ઓવરમાં આઉટ થયો હતો. નવમા નંબરે આવેલા નસુમ અહેમદે 45 બોલમાં 44 રન બનાવ્યા હતા. મહેદી હસન 29 રને અને તનઝીમ હસન સાકિબ 14 રન બનાવીને અણનમ રહ્યા હતા. ભારતીય ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.
