મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બાદ હવે રાજસ્થાનમાં પણ ભાજપે મુખ્યમંત્રી પદ માટે આશ્ચર્યજનક નામ પસંદ કર્યું છે. સાંજે 4 વાગ્યાથી જયપુરમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માના નામને મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ વસુંધરા રાજે, બાબા બાલકનાથ સહિત અનેક નામોને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ કોઈ મહિલાને રાજસ્થાનની મુખ્યમંત્રી બનાવી શકે છે, પરંતુ એવું થયું નહીં.
આ પહેલા ભાજપના ધારાસભ્ય જોગેશ્વર ગર્ગે કહ્યું હતું કે 115 ધારાસભ્યોમાંથી કોઈ પણ સીએમ બની શકે છે, એક મહિલા પણ સીએમ બની શકે છે. અમારી પાસે ઘણી મજબૂત મહિલા ધારાસભ્યો છે. જોગેશ્વર ગર્ગે કહ્યું કે વસુંધરા રાજેએ મને ફોન કર્યો હતો અને તેમની સાથે વાતચીત થઈ હતી. દરમિયાન રાજસ્થાન ભાજપના પ્રમુખ સી.પી. જોશીએ કહ્યું, “આજે ધારાસભ્ય દળની બેઠક છે. માનનીય નિરીક્ષકો આજે પહોંચશે. ત્યાર બાદ એક બેઠક થશે અને સાંજે 5 વાગ્યા સુધીમાં સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે… હું આ રેસમાં નથી.”
