New Delhi News:સુપ્રીમ કોર્ટે શુક્રવારે જગ્ગી વાસુદેવ (સદગુરુ)ના ઈશા ફાઉન્ડેશનને મોટી રાહત આપી છે. સર્વોચ્ચ અદાલતે ફાઉન્ડેશન સામેના કેસને ફગાવી દીધો હતો જેમાં એક પિતાએ આરોપ મૂક્યો હતો કે તેમની બે પુત્રીઓને કોઈમ્બતુર, તમિલનાડુમાં સદગુરુના આશ્રમમાં ‘બ્રેઈનવોશ’ કરવામાં આવી હતી અને તેમના પરિવાર સાથે સંપર્કથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ કેસમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની પુત્રીઓને આશ્રમમાં ગેરકાયદેસર રીતે બંધક બનાવીને રાખવામાં આવી છે. પરંતુ, મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે બંને પુત્રીઓ ગીતા અને લતા પુખ્ત છે અને પોતાની મરજીથી આશ્રમમાં રહે છે.
જો કે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ આદેશ ફક્ત આ ચોક્કસ કેસ માટે છે. ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું હતું કે તાજેતરમાં આશ્રમના એક ડૉક્ટર સામે બાળ શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. ‘બ્રેઈનવોશિંગ’ના આરોપો પર, સુપ્રીમ કોર્ટે કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટે આ કેસમાં અયોગ્ય રીતે દખલ કરી હતી અને પોલીસને આશ્રમની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, જે કોર્ટના મતે, ગેરવાજબી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંને છોકરીઓને જ્યારે આશ્રમમાં રાખવામાં આવી ત્યારે તેઓ સગીર નહોતા. તેઓ 27 અને 24 વર્ષના હતા. તેથી હાઈકોર્ટના હસ્તક્ષેપની જરૂર નહોતી. પુત્રીઓ કોર્ટમાં હાજર થાય તે પહેલા જ અરજીનો હેતુ સિદ્ધ થઈ ગયો હતો. મૌખિક ટીપ્પણીમાં ચીફ જસ્ટિસે કહ્યું કે આવા મામલાઓનો ઉપયોગ લોકો અને સંસ્થાઓને બદનામ કરવા માટે કરી શકાય નહીં.

આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસને પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધો હતો અને પિતાના આરોપો પછી શરૂ થયેલી પોલીસ તપાસને અટકાવી દીધી હતી. પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેમની દીકરીઓને ખોટી રીતે સદગુરુ જગ્ગી વાસુદેવના આશ્રમમાં રાખવામાં આવી હતી. પરંતુ પુત્રીઓએ પોતે કોર્ટમાં હાજર થઈને જણાવ્યું હતું કે તેઓ પોતાની મરજીથી આશ્રમમાં રહે છે અને છેલ્લા આઠ વર્ષથી તેમના પિતા તેમને હેરાન કરી રહ્યા છે. એક પુત્રીએ એમ પણ કહ્યું કે તેની માતાએ પણ તેને હેરાન કરી હતી.

ઈશા ફાઉન્ડેશન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે તમિલનાડુ પોલીસના સિચ્યુએશન રિપોર્ટમાં પણ સ્પષ્ટ છે કે બંને મહિલાઓ આશ્રમમાં સ્વેચ્છાએ રહેતી હતી. સુપ્રીમ કોર્ટે પિતાઓને કહ્યું કે તેઓ તેમની પુત્રીઓના જીવન પર નિયંત્રણ રાખી શકતા નથી અને તેમને તેમનો વિશ્વાસ જીતવા અને કોર્ટમાં અરજી ન કરવાની સલાહ આપી છે.
પોલીસ દ્વારા દાખલ કરાયેલી અન્ય અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ફાઉન્ડેશન સાથે જોડાયેલા ઘણા લોકો ગુમ થઈ ગયા છે. આ સિવાય ઈશા આઉટરીચ પ્રોગ્રામમાં કામ કરતા એક ડોક્ટર પર બાળકો સાથે યૌન શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હીની એક મહિલાએ 2021માં યોગ કોર્સ દરમિયાન યૌન ઉત્પીડનની ફરિયાદ પણ નોંધાવી હતી, જેનો ઉલ્લેખ આ અરજીમાં કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃતમિલનાડુના તિરુવલ્લુરમાં મોટી રેલ દુર્ઘટના, 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 19 લોકો ઘાયલ
આ પણ વાંચોઃતમિલનાડુ અને કેરળમાં અતિભારે વરસાદ અને 5 રાજ્યોમાં વાવાઝોડાંની હવામાનની આગાહી
આ પણ વાંચોઃતમિલનાડુના પ્રખ્યાત હિસ્ટ્રીશીટર રાજા એન્કાઉન્ટરમાં ઠાર, બસપા નેતાની હત્યા કેસમાં કાર્યવાહી
