Gujarat Local Body Election 2026/ મતદાન પહેલા જ વિપક્ષ સાફ! 8 નગરપાલિકાઓમાં કેસરીયો લહેરાયો, 720 ઉમેદવારો બિનહરીફ વિજેતા

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BJPનો વિજય રથ દોડ્યો. મતદાન પહેલા જ 720 ઉમેદવારો બિનહરીફ અને 8 નગરપાલિકાઓમાં ભાજપની સત્તા નિશ્ચિત થઈ છે.

Gujarat Top Stories Others
BJP Unopposed Winners Gujarat

BJP Unopposed Winners Gujarat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનના 10 દિવસ પહેલા જ ભાજપે અજેય લીડ મેળવીને વિપક્ષોને જોરદાર પછડાટ આપી છે. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ રાજ્યમાં ભાજપના આશરે 720 જેટલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ સાથે જ કડી, ઊંઝા અને બાયડ સહિતની 8 નગરપાલિકાઓમાં ભાજપે બહુમતી મેળવીને સત્તાના સૂત્રો અત્યારથી જ કબજે કરી લીધા છે.

 400થી વધુ ફોર્મ પાછા ખેંચાયા

બુધવારનો દિવસ ગુજરાતના રાજકારણ માટે ઐતિહાસિક સાબિત થયો હતો. ફોર્મ પરત ખેંચવાના અંતિમ કલાકોમાં ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં રાજ્યભરમાંથી 400થી વધુ ઉમેદવારોએ (જેમાં કોંગ્રેસ અને અપક્ષોનો સમાવેશ થાય છે) પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા. આ ઘટનાક્રમને પગલે અનેક બેઠકો પર હરીફ ઉમેદવારો જ ન બચતા ભાજપનો વિજય માર્ગ મોકળો બન્યો હતો.

8 પાલિકામાં BJPની સત્તા નિશ્ચિત

ઉત્તર ગુજરાતના રાજકારણના કેન્દ્ર સમાન કડી અને ઊંઝામાં ભાજપે વિરોધ પક્ષોનું અસ્તિત્વ જ મિટાવી દીધું છે. કડીમાં ભાજપે બે તૃતિયાંશ બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે. આ ઉપરાંત બાયડ, ગણદેવી અને અન્ય સહિત કુલ 8 નગરપાલિકાઓમાં ભાજપ મતદાન પહેલા જ વિજેતા બની ચુક્યું છે. ચૂંટણી આયોગ દ્વારા આજે સાંજ સુધીમાં બિનહરીફ થયેલા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે.

વિપક્ષી છાવણીમાં સોપો, હવે 26 એપ્રિલે જંગ

ભાજપના આ વિક્રમી બિનહરીફ દેખાવે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોની રણનીતિ પર મોટા સવાલો ઉભા કર્યા છે. અનેક જગ્યાએ વિપક્ષી ઉમેદવારોએ છેલ્લી ઘડીએ મેદાન છોડી દેતા રાજકીય ગરમાવો વધી ગયો છે. હવે જે બેઠકો પર મુકાબલો બાકી છે ત્યાં 26 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રચાર માટે હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.


આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા