યુપી સ્થાનિક ચૂંટણીના ભાજપને આંચકો આપનારા પરિણામો
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
એકબાજુથી દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, અમુક રાજ્યો વચ્ચે તો જાણે કે કોરોના હરિફાઈ કરાવી રહ્યો હોય તે રીતે વધી રહ્યો છે. અમુક સ્થળે લોકડાઉન છે તો અમુક સ્થળે લોકો લોકડાઉનના ભયથી ફફડી રહ્યા છે. આ સંજાેગોમાં કોર્ટની અનેક સૂચનાઓ છતાં ઉત્તરપ્રદેશમાં ચૂંટણી યોજાઈ. ચૂંટણી પંચાયતની હતી તેમાં ઉમેદવારો પક્ષના નિશાન નહિ પરંતુ નિશાન વગર લડતા હતાં. પરંતુ એક યા બીજા પક્ષના કાર્યકરો તો હતા જ. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોરોના સામે પગલાં લેવાયા કે ન લેવાયા તે બાબતને કોરાણે મૂકી પહેલા પશ્ચિમ બંગાળમં ખૂબ પ્રચાર કર્યો અને ત્યારબાદ યુપીમાં સ્થાનિક ચૂંટણીનો ખેલ પણ ચાલું રાખ્યો તેનું પરિણામ એ આવ્યું કે ભાજપને અને તેમાંય ખાસ કરીને યોગી આદિત્યનાથની સરકારને આંચકો આપે તેવા પરિણામો આવ્યા છે. ૨૦૧૭ની વિધાનસભા અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની જેમ ભાજપનું સ્ટીમ રોલર ફરી વળશે તેવી જે આશા-અપેક્ષા હતી તે ફળીભૂત થઈ નથી. તેના બદલે આંચકાના જ સમાચારો આવ્યા છે. આ કોઈ જેવી તેવી વાત તો હરગીઝ નથી.

આ પરિણામોએ ભાજપને વડાપ્રધાન મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસી ઉપરાંત ધર્મનગરી અયોધ્યા, મથુરા, યોગીના મતવિસ્તાર અને કાર્યક્ષેત્ર ગોરખપુરમાં૩૫૦થી વધુ વોલ્ટનો આંચકો આપે તેવા પરિણામો આવ્યા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ભાજપના ગઢના અનેક કાંગરા ખરી પડ્યા છે. વારાણસી જિલ્લા પંચાયતના પરિણામો અંગે જે સંકેતો મળ્યા છે તે પ્રમાણે સમાજાદી પાર્ટીને ૧૬, ભાજપને માત્ર આઠ બેઠકો મળી છે. બસપાને પાંચ, અપના દળને બે, સુભાસપા નામના નવા પક્ષને બે અને અપક્ષોને ૪ બેઠકો મળી છે. અત્રે એ વાત પણ યાદ રાખવી જરૂરી છે કે થોડા સમય પહેલા વારાણસીમાં વિધાન પરિષદની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં પણ સ્નાતક અને શિક્ષક મતવિસ્તારની બન્ને બેઠકો પર સપાના ઉમેદવારો જીત્યા હતાં. આમ વડાપ્રધાનના સંસદીય મતવિસ્તારમાં ભાજપ માટે આંચકાજનક પરિણામો તો અવશ્ય કહી શકાય.

યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુરમાં સપા અને ભાજપને ૨૦-૨૦ વોર્ડ બેઠકો મળી છે. ૨૩ અપક્ષો જીત્યા છે. આમ આદમી પાર્ટીએ પણ ત્યાં ખાતુ ખોલ્યું છે. જ્યારે ભગવાન રામની જન્મભૂમિ પર રામમંદિર નિર્માણનું કાર્ય પુરજાેશમાં ચાલી રહ્યું છે તે અયોધ્યા તેમજ પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ મથુરામાં ભાજપને આંચકો લાગ્યો છે. અયોદ્યામાં તો ભાજપને ૪૦માંથી માત્ર છ જ બેઠક મળી છે. બાકીની બેઠકો સપા-બસપા અને અપક્ષો તેમજ અન્ય પક્ષો વચ્ચે વહેંચાઈ ગઈ છે. જ્યારે મથુરામાં પણ ભાજપની તાકાત ઘટીને ૩૩માંથી માત્ર ૮ બેઠકો મળી છે. એટલે મથુરાની જિલ્લા પંચાયતમાં તેમને બહુમતી મળી નથી. બિજનોરમાં પણ ભાજપને આંચકો આપનારો ચૂકાદો સ્થાનિક ચૂંટણીઓમાં મતદારોએ આપ્યો છે. આંબેડકર નગર જિલ્લા પંચાયતની ૪૧માંથી સપાને ૧૪ બેઠકો મળી છે. ભાજપને માત્ર પાંચ બેઠકો મેળવી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે બસપાને પણ માત્ર સાત જ બેઠકો પરક જીત મળી છે. કોંગ્રેસને તો ત્યાં ખાતુ જ ખૂલ્યુ નથી.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌની પંચાયતોમાં સમાજવાદી પક્ષની બહુમતી આવી છે ત્યાં પણ ભાજપા માટે આંચકો આપે તેવા પરિણામો આવ્યા છે. જ્યારે બુલંદ શહેરમાં ૫૨ પૈકી ૧૦૦ બેઠકો જ ભાજપને મળી છે અને બાકીની ૫૨ બેઠકો પર સપા – બસપા – રાલોદ વિગેરેએ જીત મેળવી છે. જાે કે ચિત્રકૂટમાં ભાજપે ૩૦માંથી ૨૦ બેઠકો મેળવી પંચાયત સત્તા જાળવી રાખી છે. જાેનપૂરમાં પણ સપાનો વિજય વાવટો ફરક્યો હોવાના અહેવાલો છે. જાેનપુરના શાહગંજ બ્લોકમાં ઉત્તરપ્રદેશના એક મંત્રીના સહાયક પણ ખરાબ રીતે હારી ગયા છે. બારાબંકી જિલ્લા પંચાયતમાં ૫૧ પૈકી મોટાભાગની બેઠકો પર અપક્ષોની જીત થઈ છે. મુલાયમસિંહની ભત્રીજી અને પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવની બહેન સંધ્યા યાદવ ભાજપમાં જાેડાઈને જાૈનપુરી જિલ્લા પંચાયતની ચૂંટણી જંગના મેદાનમાં ઉતરી હતી જ્યાં તેની હાર થઈ છે. ઉનાવ જિલ્લામાં ભાજપને ૯, સપાને ૧૬, અપક્ષોને ૧૦ બેઠકો મળી છે.

યુપી અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, અમર ઉજાલા, જાગરણ, નઈ રોશની સહિતના તમામ અખબારોએ જે નોંધ લીધી છે તે પ્રમાણે ત્યાં ભાજપને આંચકો આપનારા પરિણામો આવ્યા છે. પરિણામોમાં વિલંબ થવાનું કારણ સત્તાધારી પક્ષની હાર હોવાનો ખુલ્લો આક્ષેપ ભાજપે કર્યો છે. જાે કે આ ચૂંટણી અંગે નોંધપાત્ર બાબત એ રહી છે કે ભલે પક્ષનું નિશાન નથી ભાજપ હોદ્દેદારોના સગા-સંબંધીઓ હાર્યા છે. પ્રચાર માધ્યમોએ પણ મહત્ત્વના વિસ્તારોની જ વિગતો જાહેર કરી છે બાકીના વિસ્તારોને જરા પણ પ્રાધાન્ય કે મહત્ત્વ આપ્યું નથી. આ પણ એક વાસ્તવિકતા છે.

આ ચૂંટણીમાં દાવાઓ પ્રતિદાવાઓ ચાલુ જ છે. અપક્ષોને સાથે લઈ પોતાની સત્તા ટકાવવા અને મેળવવા પ્રયાસ થવાનો જ છે. હવે તો ભાજપના જ કેટલાક નેતાઓએ અંદરખાનેથી એ વાત સ્વીકારી લીધી છે કે આ પરિણામો ભાજપને તો જબરદસ્ત આંચકો આપનારા છે. આંકડાકીય ગણિત બે-ચાર દિવસ પછી ભલે ગમે તે આવે પણ અસંતોષ છૂપો રહ્યો નથી. બાગાયત સહિતના પશ્ચિમ ઉત્તરપ્રદેશના જાટ બહુમતીવાળા વિસ્તારોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અજીતસિંહ ચૌધરીના પક્ષ રાલોપના ઘણા ઉમેદવારો જીત્યા છે. જ્યારે બસપાને પણ અમુક વિસ્તારોમાં સહન કરવું પડ્યું છે, પૂર્વ ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારો કે જ્યાં બસપાએ જીતેલા ત્રણ સંસદીય મતવિસ્તારોમં પછાત વર્ગના નેતા ચંદ્રશેખર આઝાદે રચેલા નવા પક્ષને ૪૦ ટકા કરતાં વધુ બેઠકો મળી છે. આ નવા પક્ષે ભાજપ તો ટીક પણ બસપાના ગઢ ગણાતા અને તેની જ વોટબેંક મનાતા વિસ્તારોમાં મોટું ગાબડું પાડ્યું છે.
ટૂંકમાં આ ચૂંટણીના બધા પરિણામો જ્યારે જાહેર થવાના હોય ત્યારે થાય પણ અત્યારે તો સમાજવાદી પક્ષ પ્રથમ છે અને ભાજપ રનર્સ અપ છે તો બસપા ત્રીજા નંબરે છે અ નેબાકીના પક્ષો ત્યાર પછીના ક્રમે આવે છે. આમ તો પક્ષના નિશાના પર ચૂંટણી નથી લડાઈ તેથી દાવાઓ અને પ્રતિદાવાઓ વાળા પરિણામો છે પરંતુ ચાવી સમાન ઘણા વિસ્તારોમાં અને તેમાંય ધર્મનગરીઓમાં તો ભાજપને આંચકો લાગ્યો હોવાની વાત ભાજપના આગેવાનો પણ સ્વિકારે છે.
